વડોદરાઃ પંચમહાલના ઘોઘંબા તાલુકાના રણજિત નગર નજીકની ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીના MPP પ્લાન્ટ-૨નાં રિએક્ટરમાં સવારે પ્રચંડ ધડાકો થયો હતો. આ ગોઝારી ઘટનામાં સાત કામદારોના મોત થયાં છે. ૯ જણને ગંભીર અને ૧૫ને સામાન્ય ઈજાઓ થઈ, જ્યારે ત્રણ કામદારો લાપતા હોવાનું જાણવા મળ્યું છે. પંચમહાલના ઘોઘંબા તાલુકાના રણજિતનગર ગામ નજીક આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ્સ કંપનીમાં MPP પ્લાન્ટ-૨માં રિએકટરમાં મોટો ધડાકો થયો હતો. પ્રચંડ ધડાકાને પગલે પ્લાન્ટમાં આગ ભભૂકી ઊઠી હતી. કંપનીની અંદાજે ૧૫ કિ.મી. સુધીની ત્રિજ્યામાં ધડાકાનો અવાજ સંભળાયો હતો. આ ધડાકાને પગલે કંપનીના કિચન સહિત આસપાસના અન્ય બિલ્ડિંગોના બારી-બારણાના કાચ તૂટી ગયાં હતાં. પ્લાન્ટના લોખંડના શેડ અને એન્ગલો હવામાં દૂર ફંગોળાઈ હતી. એક તબક્કે જમીન ધ્રુજી જાય તેવા ભયકંર અવાજને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ધડાકાથી ફાટી નીકળેલી આગમાં પ્લાન્ટમાં કામ કરતાં સાત કામદારોનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હતું.
