સંક્ષિપ્ત સમાચાર (ગુજરાત)

Tuesday 21st December 2021 15:17 EST
 

• રાજ્યના ૮૬૮૬ ગ્રામ પંચાયતોમાં ૭૪ ટકા વોટિંગઃ રાજ્યની ૮૬૮૬ ગ્રામ પંચાયતોમાં સરપંચની ૮૫૧૩ અને વોર્ડ સભ્યની૪૮,૫૭૩ બેઠક માટે બેલેટ પેપરથી ૧૯ ડિસેમ્બરે યોજાયેલું મતદાન ૭૪.૭૦ ટકા રહ્યું હતું. વર્ષ ૨૦૧૬ ની પંચાયત ચૂંટણીમાં ૮૦.૧૦ ટકા મતદાન થયું હતું, જે આ વખતના ૭૪.૭૦ ટકા મતદાન કરતા ૫.૪૦ ટકા ઓછું છે. ચૂંટણીમાં સરપંચની ૪ અને વોર્ડ સભ્યની ૧૧ બેઠક પર ઉમેદવારનું ચૂંટણી દરમિયાન મૃત્યુ થતા હવે પછીના કાર્યક્રમ જાહેર કરીને ફરીવખત ચૂંટણી કરાશે. જ્યારે ગ્રામં પંચાયતોમાં વહીવટી ક્ષતિને કારણે સોમવારે ૨૦મી નવેમ્બરે પુનઃ મતદાન યોજાયું હતું. પંચાયતની ચૂંટણીમાં ૯૩,૬૯,૨૦૨ પુરુષ અને ૮૮,૪૫,૮૧૧ મહિલાઓએ મતદાન કર્યું હતું. સમ્રગ ચૂંટણીમાં ૨૫૪૬ ચૂંટણી અધિકારી અને ૨૮૨૭ મદદનીશ ચૂંટણી અધિકારીઓ ફરજ નિભાવી હતી. સમ્રગ પંચાયતની ચૂંટણીમાં ૫૧, ૭૪૭ પોલીસ જવાનો બંદોબસ્ત ગોઠવાયો હતો.
• આઠ મહાનગરોમાં રાતે પાંચ કલાકનો કરફ્યૂ ૩૧ ડિસેમ્બર સુધી લંબાવાયોઃ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર અને ગાંધીનગર એમ પાંચ મહાનગરોમાં રાતે પાંચ કલાકનો કરફ્યૂ ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ સુધી લંબાવવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ વિભાગે કોવિડ-૧૯ સંક્રમણનો ફેલાવો અટકાવવા મહિના અગાઉ રાત્રિ કરફ્યૂની મુદ્દત ઘટાડીને રાતે એક વાગ્યાથી પરોઢિયાના પાંચ વાગ્યા સુધી નિયત કરી હતી. જેને ૧૧ દિવસ માટે લંબાવાઈ છે. આ સાથે જ રાજ્યમાં પહેલેથી જ કોવિડ ૧૯ નિયંત્રણ માટે જે ગાઈડલાઈન છે તેનો અમલ પણ યથાવત રહ્યો છે. હાલમાં કોરોનાના કેસની સંખ્યામાં એટલો મોટો ઉછાળો આવ્યો નથી. લોકો સ્વયંભૂ માસ્ક પહેરવાનું શરૂ કર્યું છે. ઓમિક્રોન વેરિઅન્ટના ફેલાવો ઝડપથી થાય છે તેના કારણે આગામી દિવસોમાં સંક્રમણ કેટલું ફેલાય છે તેનો ખ્યાલ આવશે.
• અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ રેલ માટે ૯૮ટકા જમીન સંપાદનઃ અમદાવાદ-મુંબઇ વચ્ચે હાઇસ્પીડ રેલ પ્રોજેકટની સમીક્ષા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી હતી. સમીક્ષા દરમિયાન ૯૮ ટકા જમીન સંપાદન કાર્ય પૂર્ણ થયું હોવાની વિગત પ્રોજેકટની એમ.ડી. અગ્નિહોત્રીએ મુખ્યમંત્રીને આપી હતી. તેમણે કહ્યું હતું કે, ૩૪૩ કિમીમાં સિવિલ વર્ક પ્રગતિમાં છે. આ પ્રોજેકટને કારણે હાઇસ્પીડ રેલ ટ્રેન કલાકના ૩૨૦ કિ.મી.ની ઝડપે દોડશે. મુંબઈ અમદાવાદનું અંતર આ ટ્રેન ૩ કલાકમાં પૂર્ણ કરશે. આ પ્રોજેકટથી ગુજરાતમાં ૬૦ હજાર લોકોને રોજગારી મળશે તેવો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ગુજરાતના અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ એમ ૮ જિલ્લાઓમાં સબ-સ્ટ્રક્ચર અને સુપર-સ્ટ્રક્ચરના કામો પ્રગતિમાં છે.
• ગોધરાકાંડની તપાસ કરનારા જસ્ટિસ નાણાવટીનું નિધનઃ ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણ અને ૨૦૦૨ ગોધરા રમખાણોના કેસન તપાસ કરનાર જસ્ટિસ ગિરિશ ઠાકોરલાલ નાણાવટીનું ૮૬ વર્ષની વયે હ્યદય બંધ થવાને લીધે તેમના નિવાસ સ્થાને જ નિધન થયું છે. ૧૯૭૯માં તેમણે ગુજરાત હાઇકોર્ટમા જસ્ટિસ તરીકે નિયુક્તિ મેળવી હતી. ૧૯૯૫માં તેમને સુપ્રિમ કોર્ટના જજ તરીકે પ્રમોશન મળ્યું હતું. ૨૦૦૨માં ગોધરા રમખાણોમાં તમામ કેસની તપાસ જસ્ટિસ જી.ટી. નાણાવટી અને શાહ પંચને સોંપાઇ હતી. ગોધરાકાંડની વર્ષ ૨૦૦૨માં શરૂ થયેલી તપાસ વર્ષ ૨૦૧૪માં પૂરી કરી હતી. તપાસ પંચને કુલ ૨૪ વખત મુદત આપવામાં આવી હતી. પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તેમની કેબિનેટના મંત્રી અને પોલીસને પણ ક્લિનચીટ આપી હતી.
• ગુજરાતમાં રૂ.૧,૦૦૦ કરોડના રોકાણથી ૫૦૦ કેએલડીનો બાયો ઇથેનોલ પ્લાન્ટ સ્થપાશે: ગુજરાત સરકારના સાહસ ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GACL) અને ભારત સરકારના સાહસ ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડીયા લિમિટેડ (GAIL) વચ્ચે રાજ્યમાં બાયોઇથેનોલ પ્લાન્ટ સ્થાપવાના સમજૂતી કરાર ગાંધીનગરમાં સંપન્ન થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં થયેલા આ કરાર અંતર્ગત ગુજરાતમાં ૧૦૦૦ કરોડના રોકાણ સાથે ૫૦૦ કિલોલીટર પ્રતિદિનની ક્ષમતાનો બાયોઇથેનોલ પ્લાન્ટ સ્થપાશે. આ કરાર પર GACLના મેનેજિંગ ડિરેકટર મિલીન્દ તોરવણે અને GAILના બિઝનેશ ડેવલપમેન્ટ ડિરેકટર એમ.વી. ઐયરે હસ્તાક્ષર કર્યા હતા. આ બાયોઇથેનોલ પ્લાન્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇથેનોલ બ્લેન્ડીંગના લક્ષ્યને સિદ્ધ કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. આ પ્લાન્ટમાં ફીડસ્ટોક તરીકે મકાઈ કે ચોખાના ભૂસાનો ઉપયોગ કરીને ઈકોફ્રેન્ડલી ટેક્નોલોજી દ્વારા ૫૦૦ કેએલડી (કિલોલીટર પ્રતિ દિવસ) બાયોઈથેનોલનું ઉત્પાદન કરવામાં આવશે. બાય-પ્રોડક્ટ તરીકે અંદાજે ૧૩૫ કેટીપીએ જેટલું પ્રોટીન-રીચ એનિમલ ફીડ અને ૧૬.૫૦ કેટીપીએ જેટલું કોર્ન-ઓઈલ પ્રાપ્ત થશે. આ બાયોઈથેનોલ પ્લાન્ટથી અંદાજિત વાર્ષિક ૧૫૦૦ કરોડનું ટર્ન ઓવર થશે અને અંદાજે ૭૦૦ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારી મળશે. આ ઉપરાંત, ક્રૂડ ઓઈલની આયાત ઘટવાને લીધે ફોરેન એક્સ્ચેન્જમાં દર વર્ષે અંદાજે ૭૦ મિલિયન યુએસ ડોલર જેટલી બચત પણ થશે.


comments powered by Disqus