ગાંધીનગરઃ ગુજરાતના હજીરા સ્થિત આર્સેલર મિત્તલ એન્ડ નિપોન સ્ટીલ ઈન્ડિયા લિમિટેડના સ્ટીલ પ્લાન્ટના પ્રદૂષણના કારણે હવા અને પાણીનું એટલું બધું પ્રદૂષણ ફેલાયું છે કે હજીરા સહિતના આજુબાજુના ૧૫ ગામડાંઓમાં લોકોને રહેવું કઠીન બની રહ્યું છે. આ ગામડાઓમાં થોડાં સમયમાં કેન્સરના ૯૦ દર્દીઓ સામે આવ્યા છે. જો આરોગ્ય વિભાગ ચેકિંગ કરે તો ફેફસાં અને કેન્સર જેવા રોગોના અનેક દર્દીઓ મળી આવે તેમ છે.
હજીરા કાંઠા વિસ્તાર ઔદ્યોગિક પ્રદૂષણ નિર્વાણ સમિતિના કન્વિનર દીપક પટેલે જણાવ્યું હતું કે કંપનાના પ્લાન્ટના કારણે સ્ટીલની ભૂકી ઊડે છે તેથી ગામડાના લોકો ઘરના બારી-બારણાં પણ ખોલી શકતા નથી. કેન્સરના કારણે આ ગામોમાં લોકોના મોત થઈ રહ્યાં છે.
તાજેતરમાં કેન્સરના ૯૦ કેસ સામે આવ્યા હતા. આ પ્લાન્ટને દૂર કરવામાં આવે અથવા તો પ્રદૂષણ નિયંત્રણ માટેના તત્કાલ પગલાં લેવામાં આવે. એટલું જ નહીં હજીરામાં આ કંપનીને ગામલોકોની કેટલીક જમીન ગેરકાયદે કબજે કરી છે તેને મુક્ત કરવી જોઈએ.
