‘એ દિવસો દૂર નથી કે સિંહ હાઈકોર્ટમાં આવશે અને કહેશે અમને બચાવી લો': જસ્ટિસ પારડીવાલા

Tuesday 21st December 2021 15:05 EST
 

અમદાવાદઃ ગીર અભ્યારણમાં એશિયાટીક સિંહોની જાળવણી માટે ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવેલ જાહેર હિતની અરજી સંદર્ભે ફરી એકવાર ગુજરાત હાઈકોર્ટે હળવી અને મહત્વપૂર્ણ ટકોર કરી છે. જ્યારે PILની મેટર સુનાવણી માટે આવી ત્યારે સેશનનો સમય પૂર્ણ થવા આવ્યો ત્યારે જસ્ટિસ પારડીવાલાએ હળવાશમાં કહ્યું કે 'એ દિવસો દૂર નથી કે જ્યારે સિંહો હાઇકોર્ટમાં આવશે અને કહેશે અમને બચાવી લો '.
ગુજરાત હાઇકોર્ટમાં જ્યારે ગીર અભયારણ્ય સિંહની બાબતની PILની મેટર કોલ આઉટ થઈ, એટલે કે સુનાવણી માટે આવી ત્યારે પહેલા સેશનનો સમય પૂર્ણ થવા આવ્યો હતો. જેથી આ બાબતે વધુ સુનાવણી તો ન થઈ શકી, પરંતુ જસ્ટિસ પારડીવાલાએ હળવાશમાં એક ટકોર કરી કે એ દિવસો દૂર નથી કે જ્યારે સિંહ ગુજરાત હાઇકોર્ટમાં આવશે અને તેમને બચાવી લેવા માટે વિનંતિ કરશે. માત્ર એટલું નહીં, કોર્ટે એક સપ્તાહ પહેલા માધ્યમોમાં ખાટલા પર બેસેલા સિંહોની તસવીર વાઇરલ થઈ તેનો ઉલ્લેખ પણ કર્યો, અને કહ્યું કે હવે સિંહ પલંગ પર સૂવા માટે ટેવાઈ ગયા છે.
સિંહણ પજવણી મામલે કોર્ટમાં જાહેરહિત અરજી થઈ હતી
આ પહેલા ગીર તલાલામાં આવેલા દેવળિયા પાર્કમાં સિંહણને જોવા માટે ૭ જીપ્સી ભરીને પ્રવાસીઓએ ઘેરી લેતા હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. આ મામલે હાઇકોર્ટે નવેમ્બરના અંતમાં સુનાવણી કરતા ગીરમાં સિંહદર્શન માટેની સફારીની સંખ્યામાં ઘટાડો કરવાનો નિર્દેશ આપ્યો હતો.
આ જાહેરહિતની અરજીમાં રજૂઆત કરાઈ હતી કે ટુરિસ્ટને સિંહ-સિંહણ દર્શન કરાવવા માટે સ્થાનિકો અને સત્તાધીશો દ્વારા જાતજાતના કીમિયા કરવામાં આવે છે. તેના લીધે સિંહોના અસ્તિત્વ સામે જોખમ ઊભું થઈ રહ્યું છે.
૨૦૧૮માં વાઇરસને કારણે ૨૦ સિંહના મોત થયા હતા
વર્ષ ૨૦૧૮ના ઓક્ટોબરથી નવેમ્બર માસ દરમિયાન સીડીવી (કેની ડિસ્ટેમ્પર વાઇરસ)ના કારણે ગીરમાં ૪૦ સિંહના મોત થયા હતા.
૫ વર્ષમાં સિંહની સંખ્યા ૫૨૩થી વધીને ૬૭૪ થઈ
એશિયાટીક સિંહોની સંખ્યામાં છેલ્લા ૫ વર્ષમાં ૨૯ ટકા વધારો થયો છે. ૨૦૧૫ ની ગણતરીમાં સિંહોની સંખ્યા ૫૨૩ હતી જે ૨૦૨૦ માં વધીને ૬૭૪ પહોંચી છે. દર પાંચ વર્ષે સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવે છે.
કુલ ૬૭૪ સિંહમાં ૧૬૧ નર, ૨૬૦ માદા, ૪૫ નર પાઠડા, ૪૯ માદા પાઠડા, ૨૨ વણઓળખાયેલા પાઠડા, ૧૩૭ સિંહબાળ છે. ૨૦૧૫મા સિંહોનું વિસ્તરણ ક્ષેત્ર ૨૨ હજાર ચોરસ કિમી. હતું જે વધીને ૨૦૨૦માં ૩૦ હજાર ચોરસ કિમી. થયું છે. વિસ્તરણ ક્ષેત્રમાં પાંચ વર્ષમાં ૩૬ ટકાનો વધારો છે.


comments powered by Disqus