‘લગાન’ ફેમ કચ્છના કુનરિયામાં મહિલાઓનું રાજ, બાળાઓને શીખવાડાય છે રાજકારણનાં પાઠ

Tuesday 21st December 2021 11:52 EST
 

ભૂજઃ કચ્છના ભૂજ તાલુકાનું કુનરીયા ગામને આમ તો લગાન ફિલ્મથી પણ ઓળખવામાં આવે છે. હિન્દી ફિલ્મ લગાનનું શૂટિંગ કુનરીયા ગામમાં થતાં જ તે દુનિયાના નકશામાં ચમક્યું હતું. જો કે, હવે સમયની સાથે આ ગામ તેની આ ઓળખ બદલવાની સાથોસાથ ગામની દીકરીઓને પણ અલગ રીતે ઓળખ આપવા તરફ આગળ વધી રહ્યું છે.
કુનરીયા ગ્રામ પંચાયત અને બેટી બચાવો બેટી પઢાવો સેલના સંયુક્ત પ્રયાસો બાદ ગામની મહિલાઓ અને કિશોરીઓની વિવિધ સમસ્યાઓને મુખ્ય પંચાયતમાં વાચા આપવા માટે બાલિકા પંચાયતની સ્થાપના કરાઈ હતી. આ બાલિકાપંચાયતનો ઉદ્દેશ્ય છે કે, કિશોરીઓ સક્રિય રાજકારણમાં રસ લઈ લોકશાહી પધ્ધતિથી ચૂંટણીમાં ભાગ લઇ અન્ય બહેનોનો અવાજ બને. જેના પરિણામે હવે ગામની દીકરીઓ નાની ઉંમરે રાજકારણમાં રસ લેતી થાય તે દિશામાં આગળ વધીને બાલિકા પંચાયતનો અમલ કરાવ્યો છે. લોકશાહી ઢબે પસંદગી પામેલાં ૨૧ વર્ષીય ભારતીબેન ગરવા આજે બાલિકા પંચાયત દ્રારા મહિલાઓની સમસ્યાઓનું નિરાકરણ લાવીને તેમનો વિકાસ થાય તે દિશામાં સતત કાર્ય કરી રહ્યાં છે. જેની નોંધ કેન્દ્ર સરકારના પંચાયતી રાજ મંત્રાલયે પણ લીધી છે.
બાલિકા પંચાયતની રચના અને તેની સફળતાને જોઈને એવું પણ ચોક્કસ કહી શકાય કે માત્ર કચ્છનાં ગણ્યાંગાંઠ્યાં ગામોમાંથી બહાર નીકળીને આખા રાજ્યમાં આ વ્યવસ્થા અપનાવવી જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ ગામમાં મહિલા સરપંચ હોય તો તેની સત્તાનો ઉપયોગ તેના પતિ, ભાઈ અથવા તો પિતા ના કરે પણ સાચા અર્થમાં સત્તાનું સૂકાન પોતાના હાથમાં રાખે.


comments powered by Disqus