પાલનપુરઃ ભાદરવી પૂનમ નિમિત્તે મા અંબાના ધામ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઇને પૂનમનો મહામેળો તો યોજાયો નથી, પરંતુ મા અંબાનાં દર્શનાર્થે શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને ગુજરાત અને રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાંથી પણ આવ્યા હતા. દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓ કોરોના ગાઇડલાઇન્સ સાથે મા અંબાનાં દર્શન કરી રહ્યાં છે. જ્યારે ભક્તોની સુરક્ષાને લઇ અંબાજીમાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવાયો છે.
અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા પદયાત્રીઓના ધસારાને જોતા તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા અને પદયાત્રીઓની માટેની વ્યવસ્થા કરાઈ હતી. સરકારે ભાદરવી પૂનમના મહામેળાની મંજૂરી નથી આપી, પરંતુ સાત દિવસમાં પાંચ લાખથી વધુ લોકોએ મા અંબાના દર્શન કર્યા છે અને મા અંબાના ભંડારામાં રૂપિયા ૪૬ લાખથી વધુની આવક થઇ છે.
પાંચ દિવસ દરમિયાન ૩ લાખ ૮૦ હજાર પ્રસાદ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. ભાદરવી પૂનમના આયોજન માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યાત્રિકોની સલામતી માટે પૂરતી તકેદારી રાખવામાં આવી હતી.
બોડીવોર્ન કેમેરાનો પ્રયોગ શરૂ કરનારું ગુજરાતનું પ્રથમ મંદિર
શક્તિપીઠ અંબાજી ખાતે યાત્રિકોની સુરક્ષા માટે અદ્યતન ટેકનોલોજીયુક્ત બોડીવોર્ન કેમેરાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. બોડીવોર્ન કેમેરામાં હાઈરીઝોલ્યુશન યુક્ત ઓડીયો તેમજ વિડીયો ક્લાઉડબેઝ સિસ્ટમ ઉપર રેકોર્ડ થાય છે. આ કેમેરા સુરક્ષા અધિકારીએ પોતાના શરીર ઉપર લગાવવાના હોય છે. જે તે સ્થળનું લાઈવ ઓડીયો-વીડીયો રેકોડીંગ સિસ્ટમમાં સ્ટોર થાય છે તેમજ તેને કયારેય પણ ડીલીટ કરી શકાતું નથી.
અમદાવાદના માઈ ભક્તે ૫૦૦ ગ્રામ સોનું કર્યું અર્પણ
સુપ્રસિદ્ધ વિશ્વ વિખ્યાત અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવાની એક નેમ છે અને કામગીરી થઈ રહી છે. અનેક માઇભક્તો સોનાનું દાન કરી રહ્યા છે. ત્યારે ભાદરવી પૂનમે અમદાવાદના નવનીત શાહ નામના માઈ ભક્તે ૫૦૦ ગ્રામ સોનું દાન કર્યું હતું.
અમદાવાદના નવનીતભાઇ શાહ દર વર્ષે ૧ કિલો સોનું દાન કરે છે. છેલ્લા વીસ વર્ષથી સતત આ પરંપરા નિભાવી છે.