નવી દિલ્હીઃ અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગિરિનું શ્રીમઠ બાઘંબરી ગાદી ખાતે શંકાસ્પદ સ્થિતિમાં અવસાન થયું છે. પોલીસ મહંતના શંકાસ્પદ મૃત્યુ સંબંધમાં મઠના લોકોની પૂછપરછ કરી રહી છે. મઠમાં તેમનો મૃતદેહ ગળાફાંસો ખાધેલી સ્થિતિમાં મળી આવ્યો હતો. દરવાજો અંદરથી બંધ હાલતમાં મળ્યો હોવાથી પ્રથમ દૃષ્ટિથી પોલીસ આ ઘટનાને આત્મહત્યા માની રહી છે. પોલીસનું એમ પણ કહેવું હતું કે પોસ્ટમોર્ટમ રીપોર્ટ મળ્યા પછી સ્પષ્ટતા થઇ જશે.
પોલીસને ઘટના સ્થળેથી એક સુસાઇડ નોંધ પણ મળી હોવાના અહેવાલ છે. તે નોંધ એક વસિયત જેવી હતી. સુસાઇડ નોંધમાં શિષ્ય આનંદગિરિનો ઉલ્લેખ હોવાના પણ અહેવાલ છે. વધુ તપાસ માટે પોલીસ મઠના લોકોની પૂછપપરછ કરી રહી છે.
શિષ્ય આનંદગિરિએ કર્યા હતા ગંભીર આક્ષેપ
મહંત નરેન્દ્રગિરિ અને મહંત આનંદગિરિ વચ્ચે વિવાદ સર્જાયો ત્યારે સ્વામી આનંદગિરિએ આક્ષેપ કર્યા હતા કે નિરંજની અખાડા સાથેસંકળાયેલા આશિષગિરિ નામની વ્યક્તિનું સ્વાભાવિક મૃત્યુ નહોતું થયું. આનંદગિરિએ આક્ષેપ કર્યા હતા કે જમીન કૌભાંડ કરીને અખાડા પરિષદના વડા મહંત નરેન્દ્રગિરિએ એવું વાતાવરણ સર્જ્યું હતું કે આશિષગિરિનો મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસમાં પણ તેમણે ષડયંત્રનો આરોપ મૂક્યો છે.

