આણંદઃ વિશાળ જનસમૂહ ધરાવતા ભારત જેવા દેશમાં રસીકરણની કામગીરી આમ પણ પડકારજનક છે. એ સ્થિતિમાં જ્યારે અંધશ્રધ્ધાને કારણે એક મોટો સમૂહ રસીકરણથી પરહેજ કરતો હોય ત્યારે સરકાર માટે કામગીરી દૂષ્કર બની જાય છે. આણંદ જિલ્લામાં ૩૫૧ ગામડાઓમાં ૧૦૦ ટકા રસીકરણ થાય તે માટે વહીવટી તંત્ર ગ્રામસભાઓમાં પણ વેક્સિનેશન પર ભાર મૂકી રહ્યું છે પરંતુ આણંદ જેવા વિક્સિત જિલ્લામાં પણ કેટલાક લોકો અંધશ્રધ્ધાને કારણે રસી લેવાનું ટાળી રહ્યા છે.
ભાદરણમાં વેક્સિન આપવા માટે ગયેલી હેલ્થ ડિપાર્ટમેન્ટની ટીમને એક જનસમૂદાયે વેક્સિન લેવાની ઘસીને મનાઈ ફરમાવી દિધી. સમૂહના લોકોએ પોતાને માતાજી પર ભરોસો હોવાનું કહી રસીકરણથી દુર જ રહ્યા. અનેક પ્રયાસો છતાં તેઓ રસી મૂકાવવા તૈયાર ના થતા છેવટે હેલ્થ ડિપાર્ટમેન્ટની ટીમનો પરત ફરવું પડ્યું.
આણંદ જિલ્લામાં ૩૫૧ ગામડાઓ પૈકી ૧૩૮ ગામોમાં ૧૦૦ ટકા રસીકરણ થયું છે. બાકી રહેલા ગામોમાં અસરકારક કામગીરી હાથ ધરાઇ છે. જેના ભાગરૂપે ભાદરણ ગ્રામ પંચાયત દ્વારા ગ્રામસભાનું આયોજન કરાયું હતું. આ માટે પંચાયતના તલાટી ભાદરણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર સહિતની ટીમને લઇ પ્રતાપપુરા, શૈલેષનગર સહિતના વિસ્તારમાં પહોંચી હતી. જ્યાં એક સમાજના ૧૫૦ લોકોને રસી લેવા માટે સમજાવ્યા હતા પરંતુ અંધશ્રધ્ધામાં રાચતા આ લોકોએ ટીમને કહ્યું હતું કે, અમારા માતાજીએ અમને ના પાડી છે અને અમને તેની પર ભરોસો છે.
સમાજના લોકોએ એવી પણ દલીલ કરી હતી કે અમને લેખિતમાં આપો કે રસી મૂકાવ્યા પછી અમને કશું નહીં થાય અને જો કંઇ થયું તો જવાબદારી તમારી રહેશે. ગામના તલાટી મહિપતસિંહ સહિતનાઓના પ્રયાસ છતાં સમાજના લોકો માનવા તૈયાર ના થતા છેવટે ટીમે પાછા ફરવું પડ્યું હતું અને આ અંગે મેડિકિલ ઓફિસર ડો. વશિષ્ટ દ્વારા વિભાગને રિપોર્ટ કરાયો હતો.