અમદાવાદઃ બનાસકાંઠાની કાંકરેજ બેઠક પરથી વર્ષ -૨૦૧૭માં ચૂંટાયેલા કિર્તીસિંહ વાઘેલાનો પણ નવા પ્રધાન મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કાંકરેજના ખારિયા ગામના સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતાં આ ધારાસભ્યને રાજ્યકક્ષાના શિક્ષણપ્રધાન બનાવતાં પરિવારમાં ખુશીના પોર રહ્યો નથી. આ પ્રધાન સામાન્ય પરિવારમાંથી આવે છે તેનું ઉદાહરણ તેમનું નિવાસસ્થાન છે. ધારાસભ્ય હોવા છતાં તેઓ માત્ર એક રૂમના મકાનમાં વસવાટ કરે છે. આ ઉપરાંત વિસ્તારમાં નાનામાં નાના પ્રસંગમાં તેઓ હંમેશાં ઉપસ્થિત રહે છે.
વર્ષ ૨૦૧૨માં કોંગ્રેસના સ્વ. ધારસિંહ ખાનપુરા સામે માત્ર ૬૦૦ મતથી તેઓ હાર્યા હતાં છતાં તેમને વર્ષ ૨૦૧૭માં બીજી વખત ટિકિટ આપવામાં આવી હતી. જોકે ચૂંટણી લડી શકાય તેવી તેમની સ્થતિ ન હોવાથી તેમના સમર્થકોએ લોકફાળો કરી તેમને ચૂંટણી લડાવ્યા અને તેઓ વિજેતા જાહેર થયાં હતાં.
નવ યુવાનની માફક રોજ વહેલી સવારે સાયકલિંગ માટે પણ નીકળી જાય છે. હાલના નેતાઓ લાખો રૂપિયાની ગાડીઓમાં ફરે છે જ્યારે આ ધારસભ્ય જૂના જમાનાની જીપમાં જ ફરે છે.
