મહેસાણાઃ અત્યંત પૌરાણિક, ઐતિહાસિક અને સુપ્રસિદ્ધ એવા ઉમાપુર અને હાલના ઊંઝા નગરના આ મંદિરમાં વૈદિકકાળથી પાટીદારો મા ઉમિયાની પૂજા-ઉપાસના પૂર્ણ શ્રદ્ધા અને પ્રચંડ આસ્થાથી કરતા આવ્યા છે.
ધરતીકંપમાં લુપ્ત થયેલી સરસ્વતી સભ્યતાનો આ પ્રદેશ હોઈ આ પ્રદેશમાંથી કાળક્રમે પાટીદારો સમગ્ર ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ખાનદેશ (મહારાષ્ટ્ર) અને આગ્રા સુધી વિસ્તર્યા છે. બિહારના માધાવતીના રાજા વ્રજપાલસિંહ માતૃશ્રાદ્ધ માટે બિંદુ સરોવર આવેલા ત્યારે સ્વજાતીના લોકોએ તેમને અહીં રોકાઈ જવાનું કહેતાં શિવભક્ત વ્રજપાલ સિંહે ઊંઝા ઉમિયા માતાજીનું વિ.સં. ૨૧૨માં મંદિર બનાવી મહાયજ્ઞ કર્યો હતો.
કાળક્રમે લુપ્ત થયેલા આ પ્રાચીન મંદિરોના સ્થાને ઊંઝાના વેગડા ગામીએ વિ.સં.૧૧૨૨ના માગસર સુદ-૨ના દિવસે મંદિર નિર્માણનું ખાતમુહૂર્ત કરી વિ.સં. ૧૧૨૪ના ચૈત્ર મહિનામાં માતાજીના દેવળ પર શિખર ચઢાવી મહાયજ્ઞ કરાવ્યો હતો. વિ.સં. ૧૩૫૬માં અલ્લાઉદ્દીન ખીલજીએ આ મંદિરને ધરાશાયી કર્યું હતું. માતાજીના મંદિરનો હાલનો કિલ્લો વિ.સં. ૧૮૭૩ના ચૈત્ર સુદ-૪ના દિવસે ખાતમુહૂર્ત કરી વિ.સં. ૧૯૭૯માં પૂર્ણ કરાવ્યો હતો. ત્યાર બાદ આ કિલ્લામાં વિ.સં. ૧૯૨૦ મહા સુદ આઠમના દિવસે ખાતમુહૂર્ત કરી, વિ.સં. ૧૯૨૦ના મહા સુદ પાંચમને સોમવારે મંદિર ઉપર શિખર ચઢાવી મહાયજ્ઞ કરાયો હતો.
અમદાવાદના મનસુખરામ પટેલને હ્યદયમાં આ મંદિરમાં સુધારો કરવાની પ્રેરણા થતાં ઈંટ-ચૂનાના આ મંદિરને સ્થાને ઉત્થાપીને વિ.સં. ૧૯૨૧ (ઇ.સ. ૧૮૬૫)માં પત્થરની ચોકીઓ, મંદિરનું નીચેનું ભોયરું, પરથાર તૈયાર કર્યો હતો. આ કાર્ય અધૂરું રહેતાં બહેચરદાસ લશ્કરી, સયાજીરાવ ગાયકવાડ અને પાટડીના દરબારની જહેમતથી આખા દેશમાં વસતા કડવા પાટીદારના ઘરદીઠ એક રૂપિયો ઉઘરાવ્યો હતો. જેમાં રૂ.૨,૦૪,૬૬૫નું ઉઘરાણું થયું હતું. મંદિર નિર્માણમાં કુલ ખર્ચ ૩,૨૫,૮૨૧ રૂપિયા થયો છે.
કડવા પાટીદાર જ્ઞાતિના દસ હજાર લોકોની હાજરીમાં મંદિર પર ઊંઝામાં મોલ્લોત નાગરદાસ ઉગરચંદ પટેલ તથા રૂસાત કશળદાસ કિશોરદાસ પટેલ તરફથી સોનાનું શિખર ચઢાવવામાં આવ્યું હતું. જેનો રૂ. ૨૦૦૦ નો ચઢાવો થયો હતો. બાંધકામ અંગેની સર્વ વિગતો દર્શાવતો આરસનો શિલાલેખ હાલ મોજુદ છે. વિ.સં.૧૯૪૩માં પુનરોદ્ધાર કરી મંદિરને તા. ૮ ફેબ્રુઆરી ૧૮૮૭ ના દિવસે ખુલ્લુ મુકાયું હતું.
