ગાંધીનગરઃ રાજ્યમાં મુખ્યપ્રધાન સહિત સમગ્ર કેબિનેટની નવરચના કરવામાં આવી છે. રાજ્યના નવા રચાયેલા પ્રધાનમંડળમાં કચ્છ પ્રદેશની બાદબાકી કરવામાં આવી છે ત્યારે કચ્છને પણ પ્રતિનિધિત્વ મળે તે માટે સિનિયર એવા ડો. નિમાબહેન આચાર્યની વિધાનસભા અધ્યક્ષપદે વરણી નિશ્ચિત છે. પ્રધાનમંડળના વિસ્તરણ બાદ ડો. નિમાબહેનને પ્રોટેમ સ્પીકર તરીકે નિમ્યા હતા. હવે પૂર્ણકાલિન અધ્યક્ષપદે જ્યારે ડો. નિમાબહેન નિશ્ચિત છે ત્યારે કાર્યકારી અધ્યક્ષપદેથી નીમાબહેનનું રાજીનામું લઈ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલની કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણુક કરાઈ છે. જ્યારે મુખ્ય દંડક તરીકે પંકજ દેસાઈની અને દંડક તરીકે રમેશ કટારાની નિયુક્તિ કરવામાં આવી છે.
વૈધાનિક અને સંસદિય બાબતોના જાણકારોના કહેવા મુજબ જે ધારાસભ્ય કાર્યકારી અધ્યક્ષપદે પીઠાસીન હોય તેમના તાબા હેઠળ તેઓ પોતે આ પદ માટે ઉમેદવારી ન કરી શકે. ચૂંટણી પક્ષ ન થઈ શકે. આથી, વિધાનસભા સચિવ ડી.એમ. પટેલની સહીથી ડો. આચાર્યના રાજીનામાનું નોટિફિકેશન પ્રસિદ્ધ થયું હતું. પોણા ચાર વર્ષમાં પહેલીવાર અધ્યક્ષનું પદ ખાલી પડ્યું છે. ૨૭-૨૮ સપ્ટેમ્બરે ચોમાસુ સત્ર મળી રહ્યું છે. જેમાં પહેલા નવા અધ્યક્ષની વરણી માટે ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરાશે. જેનું નોટિફિકેશન ઈસ્યુ થશે. ગત સપ્તાહે તત્કાલિન અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ રાજીનામું આપીને પ્રધાનપદ માટે શપથ લીધા હતા.
ગુજરાતમાં અધ્યક્ષ સૌના હોય, આથી ચૂંટણીની શક્યતા ઓછી
સ્વતંત્ર ભારતમાં લોકસભામાં પ્રથમ અધ્યક્ષ સ્વતંત્ર સેનાની ગણેશ વાસુદેવ માવળંકર ગુજરાતના હતા. વર્ષ ૧૯૬૦માં ગુજરાતની સ્થાપનાથી અત્યાર સુધીની ૧૪ વિધાનસભાઓના કાર્યકાળમાં ક્યારેય અધ્યક્ષની ચૂંટણી થઈ નથી. માવળંકરના સિદ્ધાંતો, લોકતાંત્રિક મૂલ્યોના જતન-સંવર્ધન માટે અધ્યક્ષનું પદ એ તટસ્થ હોવાથી વિપક્ષ પણ સમર્થન આપતો રહ્યો છે. આ વખતે પણ ચૂંટણીની શક્યતા ઓછી હોવાનું મનાય છે. પરંપરા મુજબ ઉપાધ્યક્ષનું પદ વિપક્ષ માટે પણ હોય છે પણ ગુજરાતમાં ભાજપનું શાસન આવ્યા બાદ આ ઉચ્ચ પ્રણાલીનો છેદ ઉડાડી દેવાયો છે.