તાલિબાનોની સરકારથી વિશ્વમાં આતંકવાદ વધશેઃ મોદી

Tuesday 21st September 2021 15:17 EDT
 
 

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)ના સભ્ય દેશોના નેતાઓને વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. એમાં પીએમ મોદીએ કટ્ટરવાદ અને આતંકવાદને વિશ્વ માટે ઘાતક ગણાવીને ઉમેર્યું હતું કે સભ્ય દેશોએ આતંકવાદ સામે સંગઠિત થઈને લડત આપવાની જરૂર છે.
એસસીઓ સમિટમાં અફઘાનિસ્તાનની સ્થિતિ બાબતે ખાસ ચર્ચા થઈ હતી. એમાં પીએમ મોદીએ અફઘાનિસ્તાન અને તાલિબાનના સંદર્ભમાં સ્પષ્ટ વલણ બતાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં તાલિબાનોની સરકાર બનવા વિશ્વમાં આતંકવાદ અને કટ્ટરવાદ વધી જશે. આંતરિક કે બાહ્ય સહમતી વગર તાલિબાનોની સરકાર બની હોવાથી વિશ્વએ સમજી-વિચારીને તાલિબાનની સરકારને સમર્થન આપવાનું વિચારવું જોઈએ.
અફઘાનિસ્તાનમાં તાલિબાનના રાજમાં મહિલાઓના અધિકારોનું રક્ષણ થતું નથી એને મોદીએ ચિંતાનો વિષય ગણાવીને ઉમેર્યું હતું કે ભારત યુએનની નીતિનું સમર્થન કરે છે. મોદીએ કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં હથિયારોના દમ ઉપર સરકાર બની છે, એમાં લોકશાહીના કે માનવ અધિકારોના વિચારોનો સમાવેશ થયો નથી.
જો અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપાશે નહીં તો તેની દુનિયા આખીએ કિંમત ચૂકવવી પડશે. કોઈ પણ કિંમતે આતંકવાદને છૂટો દોર આપી શકાય નહીં. ભારત અફઘાનિસ્તાનના નાગરિકોની સહાય કરી રહ્યું છે. ભારત ખોરાક અને દવાની મદદ પહોંચાડે છે. ભારત આ કાર્ય માનવતા માટે કરે છે એવું વડાપ્રધાને કહ્યું હતું.
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની ઓનલાઈન હાજરી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વગર કહ્યું હતું કે આતંકવાદને પ્રોત્સાહન આપતા દેશો સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવી જોઈએ અને જરૂર પડયે પ્રતિબંધો મૂકવા જોઈએ.


comments powered by Disqus