નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં કોરોના મહામારી વચ્ચે આ મહિનાના અંતમાં સૌપ્રથમ વખત અમેરિકાના પ્રવાસે જવાના છે. અમેરિકાના આ પ્રવાસમાં વડાપ્રધાન મોદી ચીન સામે રચાયેલા ક્વાડ જૂથની બેઠકમાં સૌપ્રથમ વખત વ્યક્તિગત હાજરી આપશે અને ૨૪મી સપ્ટેમ્બરે તેઓ આ બેઠકને સંબોધન કરશે. વધુમાં ૨૫મી સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાના ૭૬મા સત્રને સંબોધન કરશે. આ સિવાય ૨૩મી સપ્ટેમ્બરે વ્હાઈટ હાઉસમાં મોદી-બાઈડેન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહે અમેરિકાના પ્રવાસ દરમિયાન ક્વાડ બેઠકમાં સૌપ્રથમ વખત વ્યક્તિગત હાજરી આપશે. આ બેઠકમાં તેઓ કોરોના મહામારી, ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં મુક્ત વ્યાપારિક પરીવહન અને અફઘાન કટોકટી સહિતના વૈશ્વિક પડકારો અંગે જૂથના અન્ય સાથી દેશોના વડાપ્રધાન સાથે ચર્ચા કરશે. ક્વાડ જૂથના અન્ય દેશોમાં ભારત સિવાય ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાનો સમાવેશ થાય છે. પ્રશાંત મહાસાગર અને હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ચીનના વધતા ચંચૂપાત સામે આ જૂથની રચના કરાઈ છે.
વોશિંગ્ટનમાં વડાપ્રધાન મોદી અમેરિકન પ્રમુખ જો બાઈડેન સાથે ૨૩મી સપ્ટેમ્બરે તેમજ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન સાથે અલગથી દ્વિપક્ષીય બેઠક યોજશે તેમ માનવામાં આવે છે. મોદી-બાઈડેનની દ્વિપક્ષીય બેઠક ૨૩મી સપ્ટેમ્બરે વ્હાઈટ હાઉસમાં યોજાશે. બાઈડેન જાન્યુઆરીમાં અમેરિકન પ્રમુખ બન્યા પછી બંને નેતાઓએ વર્ચ્યુઅલી અનેક બેઠકોમાં ભાગ લીધો છે, પરંતુ વ્યક્તિગત હાજરી સાથેની આ તેમની પ્રથમ બેઠક હશે.
વિદેશ મંત્રાલયે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૪મી સપ્ટેમ્બરે અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં ક્વાડ જૂથની બેઠકમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરીસન, જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગા અને અમેરિકાના પ્રમુખ જો બાઈડેન સાથે બેઠક યોજશે. કોરોના મહામારી પર નિયંત્રણ મેળવવાના પ્રયાસના ભાગરૂપે આ બેઠકમાં તેઓ ક્વાડ રસિકરણ પહેલની સમિક્ષા કરશે. આ વર્ષે માર્ચ મહિનામાં આ પહેલની જાહેરાત કરાઈ હતી.
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ બેઠકમાં ચારેય દેશના નેતાઓ ક્રિટિકલ અને ઈમર્જિંગ ટેક્નોલોજીસ, દરિયાઈ સુરક્ષા, માનવીય સહાય, આપદા રાહત કાર્ય, ક્લાઈમેટ ચેન્જ અને શિક્ષણ જેવા વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે. વડાપ્રધાન મોદીનો છ મહિના પછી આ પહેલો વિદેશ પ્રવાસ છે. મોદી આ વર્ષે માર્ચમાં બંગબંધુ શેખ મુજિબુર રહેમાનની જન્મ શતાબ્દી અને દેશની આઝાદીના ૫૦ વર્ષની ઊજવણી માટે બાંગ્લાદેશના પ્રવાસે ગયા હતા. કોરોના મહામારી વચ્ચે એશિયાની બહાર વડાપ્રધાન મોદીનો આ પહેલો વિદેશ પ્રવાસ છે.