અમદાવાદઃ આગામી વિધાનસભાની ચૂંટણીને પગલે એઆઇએમઆઇએમના વડા અસદુદ્દીન ઓવેસીએ ગુજરાતના આંટાફેરા શરૂ કર્યા છે. જોકે, અમદાવાદની મુલાકાત વેળાએ ઓવેસીએ યુપીના બાહુબલી ગેંગસ્ટર અતિક અહેમદને મળવા નક્કી કર્યુ હતું. પણ સાબરમતી જેલ સત્તાવાળાઓએ સ્પષ્ટ ના પાડી દીધી હતી.
આ ઉપરાંત પોલીસે પણ ઐાવેસીને સાબરમતી જેલ જતાં અટકાવ્યા હતાં. સાથે સાથે રિવરફ્રન્ટથી સાબરમતી જેલ, પ્રેમ દરવાજાથી દરિયાપુર સહિત વિસ્તારમાં રોડ શો સુદ્ધાં રદ કરી દેવાયો હતો.
જોકે, કોંગ્રેસના નારાજ કોર્પોરેટરે પ્રદેશ નેતાઓ પર રાજકીય દબાણ લાવવા ઔવેસી સાથે બેઠક યોજી હતી જેના કારણે રાજકારણ ગરમાયું છે. અસદુદ્દીન ઔવેસીની અમદાવાદ મુલાકાતને પગલે મતોમાં ધ્રુવીકરણની રાજકીય ચાલ સફળ થઇ છે કેમકે, અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં વિપક્ષપદ મેળવવા આંતરિક ખેંચતાણ જામી છે.
