અમરેલીઃ ભાજપના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને પડતા મુકાયા બાદ અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ નીતિન પટેલ ગાંધીનગરમાં કોઇ કામ ન કરતા હોવાનો નિર્દેશ કરીને "નકામા " કહીને સૌને ચોંકાવી દીધા છે.
રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પક્ષમાં વિભીષણ અને મંથરા એવાં નિવેદન જારી કર્યા હતા. એનો સોશિયલ મીડિયામાં જવાબ આપતાં નારણ કાછડિયાએ નીતિનભાઇને ચૂંટિયો ખણ્યો હતો.
હવે અમરેલીના સાંસદ નારણ કાછડિયા દ્વારા ફેસબુકમાં નીતિન પટેલે મૂકેલી પોસ્ટમાં કૉમેન્ટ કરતાં અમરેલી પંથકમાં રાજકારણ ગરમાયું છે. અહીં ફેસબુક પોસ્ટમાં નારણ કાછડિયા દ્વારા બે કોમેન્ટ લખાઈ છે. પ્રથમ કોમેન્ટમાં "ગાંધીનગર આવ્યે ત્યારે સામે પણ જોતા નહિ, કામની તો પછી વાત રહી" ત્યાર બાદ બીજી કોમેન્ટમાં લખ્યું- "અત્યારે ખબર પડી" તેના જવાબમાં કેટલાક નીતિન પટેલના સમર્થકોએ કહ્યું, નીતિન પટેલને સાઈડ કરી દીધા છે. આ પ્રકારની બધી કોમેન્ટો જોવા મળી હતી.
ભાજપના જ સાંસદે કેમ આવી કોમેન્ટ ફટકારી?
અમરેલીના સાંસદની નીતિન પટેલની નારાજગી પાછળનું કારણ આ હતું કે, થોડા મહિનાઓ અગાઉ કોરોનાકાળ દરમિયાન દર્દીને સાવરકુંડલા હોસ્પિટલમાં દાખલ કરવા માટે એક ડોકટર સાથેની ઓડિયો-ક્લિપ વાઇરલ થઈ હતી અને એ મુદ્દે તેમની બદલી કરવા મામલે ગાંધીનગર સુધી પહોંચ્યો હતો. ત્યાર બાદ ત્યાંના તબીબની બદલી નહિ થતાં નાયબ મુખ્યપ્રધાન સાથે નારણ કાછડિયાની બોલાચાલીથઈ હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. એને કારણે સત્તા પરથી ઊતરેલા નીતિન પટેલને કામ ન
કરતા હોવાના, એટલે કે નકામા હોવાનું લખીને કોમેન્ટમાં બળાપો કાઢ્યો હોવાનું મનાય છે.
