ભૂપેન્દ્ર પટેલની સરકારમાં આણંદ જિલ્લો કોરાણે મુકાયો

Tuesday 21st September 2021 15:08 EDT
 

આણંદઃ નવી સરકારમાં આણંદ જિલ્લાના બે ધારાસભ્યોમાંથી એકને સ્થાન મળે તેવી આશા હતી જે ઠગારી નીવડી હતી. કેશુબાપાની સરકારમાં બે વખત, નરેન્દ્ર મોદીના શાસનમાં એક વખત અને વિજયભાઇ રૂપાણીની પહેલી સરકારમાં એક વાર જિલ્લાને પ્રધાન પદ સાંપડ્યું હતું. ભાજપના શાસન દરમિયાન ૧૯૯૫થી ૨૦૦૨ સુધીમાં આણંદના ધારાસભ્ય દિલીપ પટેલ બે વખત પ્રધાનપદે રહી ચૂક્યા છે. જ્યારે ૨૦૦૨ માં પેટલાદના ધારાસભ્ય સી. ડી. પટેલ સહકાર પ્રધાન તરીકે રહી ચૂક્યા હતા.
પરંતુ ૨૦૦૭થી ૨૦૧૨ના નરેન્દ્ર મોદીના શાસન દરમિયાન આણંદ જિલ્લાને પ્રધાનપદ મળ્યું ન હતું. ત્યારબાદ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલના શાસન દરમ્યાન ચરોતરની જનતાને સ્થાનિક ધારાસભ્યને પ્રધાનપદ મળશે તેવી આશા હતી પરંતુ તે પણ ઠગારી નીવડી હતી. રૂપાણી સીએમ બન્યા ત્યારે એક વર્ષ માટે આણંદના રોહિત પટેલને પ્રધાન મંડળમાં સમાવાયા હતા. ફરીવાર તેઓ મુખ્યપ્રધાન બન્યા ત્યારે આણંદ જિલ્લાના એક પણ ધારાસભ્યને પ્રધાનમંડળમાં સમાવેશ કરાયો ન હતો. તેવી જરીતે નવી રચાયેલી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં પણ આણંદ જિલ્લાની બાદબાકી થઇ છે.
૧૯૯૫ થી ૨૦૦૨ સુધી ત્રણવાર પ્રધાન પદ મળ્યું હતું
રાજ્યમાં ૧૯૯૫ થી ૨૦૦૧ના સમયગાળા દરમિયાન બે વાર કેશુભાઇની સરકાર અસ્તિત્વમાં આવી હતી, તે બંને વખત આણંદના ધારાસભ્ય દિલીપ પટેલનો પ્રધાન મંડળમાં સમાવેશ કરાયો હતો. ત્યારબાદ નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન બન્યા ત્યારે સી. ડી. પટેલને સહકાર પ્રધાન બનાવાયા હતા. આમ ૬ વર્ષના સમયગાળામાં ત્રણ વાર આણંદ જિલ્લાના ધારાસભ્યોને પ્રધાન પદ મળ્યું હતું.


comments powered by Disqus