મંથરા જેવા લોકોના કારણે રામને પણ વનવાસ જવું પડયું હતું: નીતિન પટેલ

Tuesday 21st September 2021 14:59 EDT
 

અમદાવાદઃ રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મહેસાણા ખાતે જણાવ્યું હતું કે, પક્ષમાં મોટો ભોગ આપીને કામ કરતા કાર્યકરોને પક્ષના સુવર્ણકાળમાં વધુ મહત્ત્વ આપવું જોઈએ, બીજા પક્ષમાંથી લોકો ભલે આવે પરંતુ પક્ષ માટે જેમણે કામ કર્યું હોય તેવા લોકોને બાકાત કરીને નવા આવનારા તકસાધુ લોકોને સ્થાન મળે તે કાર્યકરો માટે દુઃખદાયક હોય છે, સહકારી સંસ્થાઓ, બોર્ડ નિગમોમાં કાર્યકરોને સ્થાન મળવું જોઈએ, તેમ મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકની સાધારણ સભા બાદ પત્રકારોને જણાવ્યું હતું.
મહેસાણામાં કાર્યકરોને સંબોધતાં તેમણે રામાયણનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, રામાયણ જેવા સતયુગ વખતે પણ મંથરા હતી, દરેક જગ્યાએ આવી મંથરાઓ હોય છે પણ આપણે આવી મંથરાઓને નજરઅંદાજ કરી વિભીષણ જેવા પાત્રો ઊભા કરવા પડશે. કાર્યકરોને આશ્વાસન આપતાં તેમણે જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લામાં તમારી જેમ ૯૯.૯૯ ટકા લોકો દુઃખી થયા છે પણ ૦.૧ ટકા લોકો એવા પણ છે કે, આ ઘટનાક્રમથી ખુશ થયા હશે. આવા મંથરા જેવા લોકોના કારણે ભગવાન રામને પણ વનવાસ જવું પડયું હતું. એક પ્રશ્નના જવાબમાં નીતિન પટેલે જણાવ્યું હતું કે, હું આવા ૦.૧ ટકા મંથરા જેવા લોકોનું નામ દઈ તેમને મોટા કરવા નથી માગતો, ૯૯.૯૯ ટકા લોકો મારી સાથે છે તેમને મોટા કરવાનું કામ કરીશ.


comments powered by Disqus