અમદાવાદઃ રાજ્યમાં કુલ રસીકરણ ૫.૬૮ કરોડને પાર થઇ ગયું છે. ૪ કરોડ લોકોએ પહેલો ડોઝ લીધો છે જ્યારે ૧.૬૮ કરોડ લોકોને બન્ને ડોઝ અપાઇ ગયા છે. હજુ પણ ૧૮ વર્ષ ઉપર વયજૂથમાં ૯૩ લાખ લોકોને એક પણ ડોઝ મળ્યો નથી. રાજ્યમાં ૪૫+ વસ્તીમાં ૮૮ ટકાને જ્યારે ૧૮-૪૪ વયજૂથમાં ૭૨ ટકાને પહેલો ડોઝ મળી ગયો છે. ૧૮+ની કુલ વસ્તીમાં 82 ટકાને પહેલો ડોઝ જ્યારે ૩૪ ટકાને બન્ને ડોઝ મળી ગયા છે. ૧૮થી ૪૫ વર્ષ વયજૂથમાં હજુ બીજા ડોઝમાં ૧૮ ટકાને જ આવરી લેવાયા છે. ૨૦ સપ્ટેમ્બરે રાજ્યમાં ૩.૭૨ લાખ રસીકરણ કરવામાં આવ્યું હતું.
ત્રણ મહિનામાં ૧૦૦ કરોડ ડોઝ મળશે, રસીની નિકાસ પણ શરૂ કરાશે: માંડવિયા
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે વેક્સિન મૈત્રી કાર્યક્રમ હેઠળ આગામી મહિનાથી કોરોનાની રસીની નિકાસ શરૂ કરશે. તેમણે જણાવ્યું હતું કે દેશના લોકોનું રસીકરણ સરકારની પ્રાથમિકતા રહેશે. નાગરિકો માટેના ડોઝની પૂરતી વ્યવસ્થા થઈ ગયા બાદ રસીની નિકાસ શરૂ કરાશે. આરોગ્ય પ્રધાને કહ્યું હતું કે આ મહિને દેશને રસીના ૨૬ કરોડ ડોઝ મળશે તથા ઓક્ટોબરમાં વધુ ૩૦ કરોડ ડોઝ ઉપલબ્ધ થશે. આગામી ત્રણ મહિનામાં કુલ ૧૦૦ કરોડ ડોઝ ઉપલબ્ધ થઈ જશે. જેમાં કોવિશિલ્ડ, કોવેક્સિન ઉપરાંત ઝાયડસ કેડિલાની બાયોલોજિકલ ઇ-વેક્સિન પણ સામેલ છે. આરોગ્યપ્રધાને કહ્યું હતું કે દેશનું રસીકરણ અભિયાન વિશ્વ માટે રૉલ મોડેલ છે.અત્યાર સુધી ૮૧ કરોડથી વધુ લોકોને રસી આપી દેવમાાં આવી છે. છેલ્લા ૧૦ કરોડ ડોઝ માત્ર ૧૧ દિવસમાં આપવામાં આવ્યા હતા.
નો વેક્સિન નો એન્ટ્રીનો નિર્ણય લેનારું અમદાવાદ દેશમાં પ્રથમ
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા લાંબા સમયથી વેક્સિનેશનની કામગીરી ચલાવાઇ રહી છે, અમદાવાદ મહાનગરપાલિકાએ દેશમાં પ્રથમ વખત ઐતિહાસિક નિર્ણય લીધો છે. જે અંતર્ગત વેક્સિન લીધી ન હોય તેવા લોકોને કાંકરિયા, રિવરફ્રન્ટ, એએમટીએસ, બીઆરટીએસ કે અમદાવાદ મ્યુનિ.ની કચેરીમાં પ્રવેશ આપવામાં નહીં આવે.