અમદાવાદઃ અમદાવાદમાં ૧ જૂનથી અત્યાર સુધીમાં કુલ ૬૫૫.૭ મિમી વરસાદની સામે ૩૭૫.૪ મિમી જ વરસાદ પડ્યો હોવાથી હજુ પણ અમદાવાદમાં સામાન્ય કરતાં ૪૩ ટકા ઓછો વરસાદ પડ્યો છે. બીજી તરફ, ૧ જૂનથી ૧૯ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ૬૫૮.૧ મિમીની સામે ૫૩૪.૬ મિમી વરસાદ પડતાં રાજ્યમાં અત્યારસુધીમાં ૮૧ ટકા વરસાદ થયો છે, જ્યારે ૧૯ ટકા વરસાદની ઘટ છે.
રાજ્યના ૮ જિલ્લામાં ૪૦ ટકાથી વધુ વરસાદની ઘટ છે, જેમાં સૌથી વધુ ૪૭ ટકા ઘટ દાહોદમાં છે. જ્યારે ૮ જિલ્લામાં ૫ થી ૪૫ ટકા વધુ વરસાદ પડ્યો છે, સૌથી વધુ ૪૫ ટકા વધુ વરસાદ દેવભૂમિ દ્વારકામાં પડ્યો છે.
સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમા તો ધોધમાર વરસાદ ખાબક્યો છે. ૨૦ સપ્ટેમ્બરના દિવસ દરમિયાન રાજ્યના કુલ ૯૯ તાલુકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. છોટા ઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. છોટા ઉદેપુર તાલુકામાં ૩ ઈંચ, બોડેલીમા પોણા ત્રણ અને જેતપુર પાવી તાલુકામા બે ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામા પણ બે ઈંચ વરસાદ થયો હતો.
પૂર્વ કચ્છનાં અંજાર તાલુકાના ભીમાસર ગામે તોફાની બેટિંગ કરીને ત્રણ કલાકમાં ૬ ઈંચ જેટલો ભારે વરસાદ પડતાં ગામ પાણી પાણી થઈ ગયું હતું, તો ભીમાસર – પશુડા અને ભીમાસરથી પાવરગ્રીડનો રસ્તો બંધ થઈ ગયો હતો.
રાજ્યના ૫૦ તાલુકામાં આજે વરસાદી માહોલ રહ્યો હતો. જેમાં ૨૨ તાલુકામાં વરસાદનું પ્રમાણ ૧ ઈંચથી વધારે રહ્યું હતું. જેમાં ઉમરેઠ, સાણંદ, જાંબુઘોડા, ડાંગ, ગળતેશ્વર, નસવાડી, મહુધા, તિલકવાડા, સંજેલી, સંખેડા, નડિયાદ, ગોધરા, દહેગામ, ક્વાંટનો પણ સમાવેશ થાય છે.
