વડોદરાઃ ઉત્તરપ્રદેશના વારાસણીના ગંગાઘાટની થીમ પર ગુજરાતના કેવડિયા નજીક ગોરા ખાતે ૧૪ કરોડ રૂપિયાના ખર્ચે નર્મદાઘાટ તૈયાર થઇ રહ્યો છે. આ ઘાટ પર રોજ આરતી થશે અને શ્રદ્ધાળુઓ નર્મદા નદીના આ ઘાટ પર સુરક્ષિત રીતે સ્નાન કરી શકશે. આ ઘાટની કામગીરી હવે પૂર્ણતાના આરે છે. વારાણસી અને હરિદ્વારમાં જે ગંગાઘાટ છે એવો જ નર્મદાઘાટ સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તારમાં બને એવી વડાપ્રધાને પરિકલ્પના કરી હતી, જ્યાં બેસીને ભક્તો નર્મદા સ્નાન કરી શકે.
ગોરા શૂલપાણેશ્વર મંદિર પાસે નર્મદાઘાટ બનાવવા માટેની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. ૧૩૧ મીટર લાંબો અને ૪૭ મીટર પહોળો ઘાટ બની રહ્યો છે. શૂલપાણેશ્વર મંદિરથી સીધા ઘાટ પર જવાય એવો રસ્તો પણ બનીને તૈયાર થઈ રહ્યો છે, ત્યારે હવે તેને આખરી ઓપ આપવાની કામગીરી ચાલી રહી છે. અંદાજે ૧૪ કરોડ રૂપિયાના ખર્ચે નર્મદાકિનારે ઘાટના નિર્માણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. નર્મદાઘાટ શરૂ થયા પછી સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસીઓ અને ગુજરાતભરના ભક્તો આ નર્મદા મૈયાની આરતીનો લાભ લઈ શકશે.