ભરુચઃ આ તસવીર ગુજરાતમાંથી પસાર થઈ રહેલા દિલ્હી-મુંબઈ કોરિડોરના એક્સપ્રેસ હાઇવેની છે. ભરૂચ નજીકના મનુબર-પાદરા રોડ પાસે ૨ કિમીના એક્સપ્રેસ વેનું માત્ર ૨૪ કલાકમાં નિર્માણ પૂર્ણ કરીને રેકોર્ડ રચવામાં આવ્યો હતો. હાલ કરજણથી ભરૂચ નજીકના ૬૩ કિમીના માર્ગનું ઝડપી નિર્માણ થઈ રહ્યું છે. કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ ભરૂચ ખાતે એક્સપ્રેસ વેની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ૨૦૨૩ સુધીમાં દિલ્હીથી મુંબઈ સુધીની કામગીરી પૂર્ણ થઈ જશે એવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. ગડકરીએ કહ્યું હતું કે આ હાઇ-વે તૈયાર થઈ જતાં માત્ર ૨૦૦ મિનિટમાં વડોદરાથી મુંબઈ પહોંચી શકાશે. જ્યારે દિલ્હીથી મુંબઈ વચ્ચેનું અંતર ૨૪ કલાકના બદલે માત્ર ૧૨ થી ૧૩ કલાકમાં કપાઈ જશે. એક્સપ્રેસ વેનો ૪૨૩ કિમીનો હિસ્સો ગુજરાતમાંથી પસાર થઈ રહ્યો છે. ૮ લેનના એક્સપ્રેસ વેનો ગુજરાતનો હિસ્સો ૩૫,૧૦૦ કરોડના ખર્ચે બની રહ્યો છે જ્યારે સમગ્ર પ્રોજેક્ટ કુલ ૯૮ હજાર કરોડ રૂપિયાથી વધુનો છે.