• પંજાબના ૧૬મા મુખ્યપ્રધાન પદે ચરણજિતસિંહ ચન્નીએ શપથ લીધાઃ પંજાબનાં ૧૬મા મુખ્યપ્રધાન પદે ચરણજિતસિંહ ચેન્નીએ ૨૦ સપ્ટેમ્બરના રોજ હોદ્દો અને ગુપ્તતાનાં શપથ લીધા હતા. તેમની સાથે ડેપ્યુટી સીએમ તરીકે સુખજિન્દરસિંહ રંધાવા અને ઓમપ્રકાશ સોનીએ પણ શપથ લીધા હતા. પંજાબમાં પહેલીવાર બે ડેપ્યુટી સીએમની નિયુક્તિ કરવામાં આવી છે. જેને માટે જાટ અને શીખ સમુદાયનાં કોમ્બિનેશનનું ધ્યાન રખાયું છે. ચન્ની પંજાબનાં પહેલા દલિત સીએમ છે. પહેલા ઓ.પી. સોનીની જગ્યાએ ડેપ્યુટી સીએમ તરીકે બ્રહ્મ મોહિન્દરાનું નામ પસંદ કરાયું હતું પણ તેઓ કેપ્ટન છાવણીનાં હોવાથી પત્તું કપાયું હતું. હવે કોંગ્રેસ નવા પ્રધાનમંડળમાં કેવું સંતુલન જાળવે છે તેનાં પર સૌની નજર છે. શપથવિધિમાં રાહુલ ગાંધી, સિદ્ધુ તેમજ અન્ય નેતાઓ હાજર રહ્યા હતા.
• દેશભરમાં એક્ટિવ કેસની સંખ્યા ૧૮૩ દિવસ પછી સૌથી ઓછી ૩,૧૮,૧૮૧ પર પહોંચીઃ દેશભરમાં કોરોનાનાં કેસ સતત પાંચમાં દિવસે ૩૦,૦૦૦થી ઉપર રહ્યા છે. આમ છતાં દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ૧૮૩ દિવસ પછી સૌથી ઓછી નોંધાઈ છે અને ઘટીને ૩,૧૮,૧૮૧ થઈ છે. એક્ટિવ કેસ લોડ ઘટીને ૦.૯૫ ટકા થયો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસમાં ૧૩,૯૭૭નો ઘટાડો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં નવા ૩૦,૨૫૬ કેસ નોંધાયા છે. જેને કારણે કુલ સંક્રમિતોનો આંકડો ૩,૩૪,૭૮,૪૧૯ થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨૯૫ લોકોએ જીવ ગુમાવ્યો હતો જેને કારણે દેશમાં કુલ મૃત્યુઆંક ૪,૪૫,૧૩૩ થયો હતો. છેલ્લા ૨૪ કલાકમાં કેરળમાં સૌથી વધુ ૧૯૬૫૩ કેસ નોંધાયા હતા અને ૧૫૨ દર્દીઓનાં મોત થયા હતા.
• ભાજપ સાથે છેડો ફાડનારા બાબુલ સુપ્રિયો મમતા દીદીની શરણમાંઃ પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપનાં પૂર્વ સાંસદ બાબુલ સુપ્રિયો ભાજપ છોડયાનાં આશરે બે મહિના પછી તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા છે. પ. બંગાળનાં સીએમ મમતા બેનરજીનાં ભત્રીજા અભિષેક બેનરજી તેમજ ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયન દ્વારા તેમને ટીએમસીમાં પ્રવેશ અપાયો હતો. કેન્દ્રનાં પ્રધાનમંડળમાં ૪૮ દિવસ પહેલાં કરવામાં આવેલા ફેરબદલમાં બાબુલ સુપ્રિયોને પડતા મૂકવામાં આવ્યા હતા. આ પછી તેમણે ભાજપ સાથે છેડો ફાડયો હતો. પોતાનો નિર્ણય બદલીને ટીએમસીમાં જોડાવાનાં નિર્ણય અંગે તેમણે ગૌરવ વ્યક્ત કર્યું હતું. ભાજપમાંથી રાજીનામું આપ્યા પછી બાબુલ સુપ્રિયોએ જાહેરાત કરી હતી કે તેઓ અન્ય કોઈ પક્ષમાં જશે નહીં. તેમણે કહ્યું હતું કે હું ભાજપનો સભ્ય રહ્યો છું અને રહીશ. જો કે થોડા સમય પછી તેમણે પોતાની આ પોસ્ટ ડિલીટ કરી હતી અને કાયમ માટે ભાજપમાં રહેવાની લાઈન હટાવી હતી.
• અઢી કરોડ લોકોને વેક્સિન આપી તેમાં એક પાર્ટીને તાવ ચડી ગયો - પીએમ મોદીઃ પીએમ મોદીનાં ૭૧મા જન્મદિવસે ભારતે એક જ દિવસમાં અઢી કરોડથી વધુ લોકોને વેક્સિન આપીને સમગ્ર વિશ્વમાં નવો રેકોર્ડ બનાવ્યો હતો. કોંગ્રેસે આની ટીકા કરી તો મોદીએ ગોવાનાં હેલ્થ વર્કર્સ સાથે વીડિયો કોન્ફરન્સમાં વાતચીત કરીને કોંગ્રેસને ટાર્ગેટ બનાવી હતી. એક ડોક્ટરને પ્રશ્ન પૂછીને મોદીએ કહ્યું હતું કે, એક જ દિવસમાં અઢી કરોડ લોકોને વેક્સિનનો વર્લ્ડ રેકોર્ડ સ્થાપવામાં આવ્યો તેમાં એક રાજકીય પાર્ટીને રિએક્શન કેમ આવ્યું અને રાજકીય તાવ કેમ આવી ગયો? આમ કહીને મોદીએ આડકતરી રીતે કોંગ્રેસને ચાબખાં માર્યા હતા.
• રશિયામાં પુતિનના ૨૦૨૪ સુધી રાષ્ટ્રપતિ પદે રહેવાનો રસ્તો સાફ: રશિયામાં વ્લાડીમીર પુતિનનું સમર્થન કરતા શાસક પક્ષ યુનાઇટેડ રશિયા પાર્ટીએ સંસદીય ચૂંટણીમાં ફરીથી બહુમત મેળવી છે. તેના પગલે રાષ્ટ્રપતિ પુતિનનો ૨૦૨૪ સુધી હોદ્દા પર રહેવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. જો કે વિપક્ષનો આરોપ છે કે ચૂંટણીમાં જીતવા માટે મોટાપાયા પર ગડબડ કરવામાં આવી છે.
• ઇમરાન જુનાગઢની આઝાદીનો મુદ્દો ઉઠાવેઃ મોહમ્મદ જહાંગીર: પંજાબ અને કાશ્મીરમાં અલગતાવાદ ભડકાવવામાં નિષ્ફળ રહેલા પાકિસ્તાનની નજર હવે દેશના અન્ય ભાગો પર છે. જેને પગલે પાક.ની બદનામ આઇએસઆઇ એજન્સીએ ગુજરાતના જુનાગઢનો રાગ છેડયો છે. અને કહ્યું છે કે કાશ્મીરની જેમ જુનાગઢની આઝાદીના ઇમરાન ખાન દૂત બને. આઇએસઆઇના પીઠ્ઠુ અને નવાબ હોવાનો દાવો કરનારા મોહમ્મદ જહાંગીર ખાંજીએ પાક.ના વડાપ્રધાન ઇમરાન ખાનને અપીલ કરી છે કે તેઓ ગુજરાતના જુનાગઢની આઝાદીનો મુદ્દો આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવે અને કાશ્મીરની જેમ જ જુનાગઢના પણ દૂત બને.
• ભારતે ૬૦૮ કરોડના કરાર હેઠળ શ્રીલંકાને ૨૦ આત્યાધુનિક રેલવે કોચ સોંપ્યા: ભારતે શ્રીલંકાને વધુ ૨૦ અત્યાધુનિક રેલવે યાત્રી કોચ સોંપી દીધા છે. આ સપ્લાયની સાથે શ્રીલંકાને કુલ ૧૬૦ કોચમાંથી ૬૦ કોચની સપ્લાય કરી દેવાઇ છે. હવે વધુ ૨૦ કોચ મોકલવાની તૈયારી ચાલી રહી છે. આ જથ્થો બંને દેશો વચ્ચે થયેલા ૬૦૮ કરોડ ના કરારનો હિસ્સો છે. રેલવે ઇન્ડ્યિા ટેક્નિકલ એન્ડ ઇકોનોમિક સર્વિસ લિમિટેડએ આ કોચનો સપ્લાય કર્યો હતો.
• ચીનની રૂ. ૨૩ લાખ કરોડનું દેવું ધરાવતી એવરગ્રાન્ડે નાદારીના આરે: લગભગ રૂ. ૩૦૫ અબજ ડોલર (એટલે કે રૂ. ૨૨,૫૭,૦૦૦ કરોડનું કુલ દેવું ધરવતી આ કંપની આ મહીને પોતાના બોન્ડના વ્યાજનું સમયસર ચુકવણું નહી કરી શકે એવી ચિંતા છે. દેવાનો કેટલોક ભાગ આગામી વર્ષે પુન: ચૂકવવાનો છે પણ કંપની પાસે પૈસા નથી. કંપનીએ કુલ દેવા સામે ૮.૩૫ કરોડ ડોલર એટલે કે રૂ. ૬૧૭ કરોડનું વ્યાજ આવતા આ સપ્તાહમાં ચૂકવવાનું છે. એ નિષ્ફળ રહે તો કંપની ઉપર ડિફોલ્ટનો ભય છે. આ પછી પછી કંપની તા. ૨૯ સપ્ટેમ્બરના વધારે રૂ. ૪.૭૫ કરોડ ડોલર કે રૂ. ૩૫૧ કરોડનું વ્યાજ ચૂકવવાનું છે.
• પાક.માં મસ્જિદમાંથી પાણી લેવા મુદ્દે હિંદુ પરિવાર સાથે બર્બરતા: રહીમયારખાન પાકિસ્તાનમાં હિન્દુઓ સાથે બર્બરતાની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યાં પંજાબના રહીમયાર ખાન શહેરમાં મસ્જિદમાંથી પાણી લેવા મુદ્દે એક હિન્દુ ખેડૂત પરિવારને બંધક બનાવી લેવાયા છે.
• વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને મહાનુભાવોએ દીર્ઘાયુની પ્રાર્થના કરીઃ વડાપ્રધાન મોદીના ૭૧મા જન્મદિવસને યાદગાર બનાવવાના સંકલ્પ સાથે ભાજપે દરેક કાર્યકરોને ખાસ કોરોના રસીકરણ અભિયાન હાથ ધરવા આહ્વાન કર્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ આજથી ૨૦ દિવસ માટે સેવા અને સમર્પણના નામે જનસંપર્ક કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો છે. આ કાર્યક્રમ ૭ ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
• મોદીને મળેલી ભેટસોગાદોની હરાજી : પેરાલિમ્પિક શટલરના રેકેટ માટે રૂ.૧૦ કરોડની બોલી લાગી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ૭૧ વર્ષના થઇ ગયા. તેમના જન્મદિવસ પ્રસંગે સંસ્કૃતિ મંત્રાલય દ્વારા વડા પ્રધાનને મળેલી ભેટસોગાદની ઓનલાઇન હરાજી (ઇ-ઓક્શન)નું આયોજન થયું છે. ઇ-ઓક્શન ૧૭ સપ્ટેમ્બરથી ૭ ઓક્ટોબર સુધી ચાલશે. અંદાજે ૧૩૦૦ હરાજીમાં વસ્તુ મુકાશે. ટોક્યો ઓલિમ્પિક અને પેરાલિમ્પિક વિજેતાઓ દ્વારા વડા પ્રધાન મોદીને આપવામાં આવેલી ભેટસોગાદનો પણ તેમાં સમાવેશ થાય છે. તેમાં સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરાને ભાલો(જેવેલિન) અને પેરાલિમ્પિંગ રમતોમાં રજત ચંદ્રક જીતનારા નોઇડાના કલેક્ટર સુહાસ અલવાઇ યથિરાજના બેડમિન્ટન રેકેટનો સમાવેશ થાય છે. ઇ-ઓક્શનની શરૂઆત થઇ ચૂકી છે.
• મૈત્રીપૂર્ણ સંબંધો માટે બોર્ડર પરથી ચીન સેના પાછી ખેંચે- ભારતની સ્પષ્ટ વાત: બંને દેશો વચ્ચે ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધો માટે હિમાલયની વિવાદિત બોર્ડર પરથી સેના પાછી ખેંચવી જરૃરી છે તેવી સાફ વાત ભારત દ્વારા ચીનને કરવામાં આવી છે. ભારતનાં વિદેશપ્રધાન એસ. જયશંકરે દુશાંબે ખાતે ચીનનાં વિદેશપ્રધાન વાંગ યી સાથેની વાતચીતમાં સરહદી વિવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તેના ઉકેલની તરફેણ કરી હતી. જયશંકરે ટ્વિટ કર્યું હતું કે, બંને દેશોએ બોર્ડર એરિયામાંથી સેના પાછી ખેંચવાનો મુદ્દો ચર્ચ્યો હતો. શાંતિ અને સ્થિરતા માટે આ દિશામાં પ્રગતિ સાધવી જરૃરી છે જે દ્વિપક્ષીય સંબંધો વિકસાવવા અનિવાર્ય છે તેવો સંદેશ ચીનને આપવામાં આવ્યો હતો.
• આતંકવાદીઓએ મુંબઇની લોકલ ટ્રેનમાં ‘ઝેરી ગેસ’નો હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું?ઃ આતંકવાદીઓની ધરપકડ બાદ હવે ચોંકાવનારી માહિતી મળી રહી છે. મુંબઇની લાઇફ લાઇન લોકલ ટ્રેન ફરી આતંકીના નિશાન પર હતી. ટ્રેનમાં 'ઝેરી ગેસ'ના હુમલાની આતંકવાદી તૈયારી કરતા હોવાનું કહેવાય છે.
• પેટ્રોલ-ડીઝલ જીએસટી હેઠળ નહીં - નિર્મલાઃ ૨૦૨૦માં કોરોના માહમારી શરૂ થયા પછી પહેલીવાર મળેલી જીએસટી કાઉન્સિલની ઇન પર્સન બેઠકમાં પેટ્રોલ અને ડિઝલને જીએસટીના દાયરામાં લવાય તેવી જનતાની આશાઓ પર પાણી ફરકી વળ્યું હતું. જ્યારે ફૂડ ડિલિવરી એપ ઝોમેટો અને સ્વિગી તેઓ જે રેસ્ટોરન્ટમાંથી ફૂડ પીક અપ કરે છે તેની પાસેથી નહીં પરંતુ ગ્રાહકો પાસેથી પાંચ ટકા જીએસટીની વસૂલાત કરશે. અત્યારે તેઓ જે તે રેસ્ટોરન્ટ પાસેથી જીએસટીની વસૂલાત કરે છે. જીએસટી કાઉન્સિલની ૪૫મી બેઠક બાદ કેન્દ્રીય નાણાપ્રધાન સીતારામને જણાવ્યું હતું કે, પેટ્રોલ-ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાનો આ યોગ્ય સમય નથી.
• યુપીમાં મોદીએ ડિફેન્સ કોરિડોરનો પ્રારંભ કરાવ્યો રૂ. ૬૦૦૦ કરોડનું રોકાણ કરાશેઃ પીએમ મોદીએ રાધાઅષ્ટમીને દિવસે ઉત્તરપ્રદેશના અલીગઢમાં રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ યુનિર્વિસટી તેમજ ડિફેન્સ કોરિડોરની શિલારોપણ વિધિ કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે આજે વિશ્વ જાણે છે કે ભારત ગ્રેનેડથી લઈને રાઇફલ્સ તેમજ ફાઇટર વિમાનો અને ડ્રોન્સ તથા યુદ્ધ જહાજોનું ઉત્પાદન કરે છે. ભારતે ડિફેન્સ એક્સ્પોર્ટર્સ તરીકે ઓળખ બનાવી છે.
• વર્ષ ૨૦૨૧માં સાત રાજ્યોમાં આઠ મુખ્યપ્રધાનોએ સુકાન સંભાળ્યુંઃ વર્ષ ૨૦૨૧ દેશના મુખ્યપ્રધાનો માટે ભારે રહ્યું છે. આ વર્ષમાં અત્યાર સુધીમાં દેશના સાત રાજ્યોમાં આઠ મુખ્યપ્રધાનોએ સત્તાના સૂત્રો સંભાળ્યા હતા. કેટલાક મુખ્યપ્રધાનોની કેન્દ્રીય નેતૃત્વએ બદલી કરી હતી જ્યારે કેટલાક મુખ્યપ્રધાનો ચૂંટાઈને સત્તા પર આવ્યા હતા. વર્ષ ૨૦૨૧માં ભાજપ શાસિત ત્રણ રાજ્યો કર્ણાટક, ઉત્તરાખંડ અને ગુજરાતમાં જનતા અને પક્ષના આંતરિક વિરોધના કારણે પક્ષના કેન્દ્રીય નેતૃત્વે છ મહિનામાં ચાર મુખ્યપ્રધાનો બદલવાની ફરજ પડી હતી. કર્ણાટકમાં યેદિયુરપ્પાના સ્થાને બસવરાજ બોમ્માઈની નવા મુખ્યપ્રધાન તરીકે પસંદગી કરી હતી. આ સિવાય ઉત્તરાખંડમાં ત્રિવેન્દ્રસિંહ રાવત સામે લોકોના વિરોધને ધ્યાનમાં રાખતાં કેન્દ્રીય નેતૃત્વે માર્ચ ૨૦૨૧માં તિરથસિંહ રાવત અને પછી જુલાઈ ૨૦૨૧માં પુષ્કરસિંહ ધામીને રાજ્યનું સુકાન સોંપ્યું હતું. આ સિવાય ગુજરાતમાં એક વર્ષ પછી યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી વિજય રૂપાણીના સ્થાને ભૂપેન્દ્ર પટેલને નવા મુખ્યપ્રધાન બનાવ્યા હતા. આમ, ભાજપ શાસિત ત્રણ રાજ્યોમાં છ મહિનામાં ચાર મુખ્યપ્રધાન બદલાયા હતા. વધુમાં કોંગ્રેસ શાસિત પંજાબમાં આંતરિક વિરોધના પગલે અમરિન્દરે રાજીનામું આપતાં હવે નવા મુખ્યપ્રધાન ચરણજિત સિંહ ચન્નીની વરણી કરવામાં આવી છે.
