રાજકોટઃ વરસાદની ખેંચ પછીની વૃષ્ટિએ પણ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. કારણકે રાજકોટ, જામનગર અને જૂનાગઢ પંથકમાં થયેલા ભારે વરસાદથી ખરીફ પાકોમાં અને ખેતીની જમીનમાં વ્યાપક નુક્સાન થઇ ચૂક્યું છે. કપાસમાં અને ઠેક ઠેકાણે તલ, મગ અને અડદ જેવા ટૂંકાગાળાના પાકમાં બગાડ થયો હોવાનો પ્રાથમિક અંદાજ છે.
સૌરાષ્ટ્ર વિસ્તારમાં ૪૧ હજાર હેક્ટર જેટલી ખેતીની જમીનમાં ધોવાણ અને પાક બગાડ થયો હોવાનો અંદાજ તાજેતરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રજૂ કર્યો હતો. એ પછી રાજકોટ જિલ્લામાં રૂ. ૧૦૦ કરોડનું નુક્સાન થયાનું જિલ્લા કલેક્ટરે જાહેર કર્યું છે. જોકે નુક્સાનીનો આંકડો ઘણો મોટો હોવાની સંભાવના પૂરતી છે.
ધ્રોલ, કાલાવડ, જામનગર આસપાસના વિસ્તારો, ધોરાજી, ગોંડલ, બાબરા અને આટકોટ પટ્ટીમાં કપાસના પાકને ૧૫-૨૦ ટકા જેટલું નુક્સાન ધોવાઇ જવાને લીધે થયું છે. મૂળી, સાયલા, હળવદ, ધ્રાંગધ્રા અને લીમડી આસપાસના વિસ્તારમાં વરસાદ સાધારણ હતો છતાં કુદરતી રીતે કોઇ રોગ આવી જતા કપાસનો ફાલ લાલ થઇ જાય છે અને ખરી પડે છે. રોગને લીધે આ વિસ્તારમાં ૧૦-૧૫ ટકા નુક્સાની જઇ
શકે છે.
અભ્યાસુ ખેડૂત રમેશ ભોરણીયાના કહેવા પ્રમાણે વધુ પડતું પાણી લાગી જવાને લીધે કપાસના પાકમાં નુક્સાન ઘણું થયું છે. પાણી લાગી જતા મૂળ ખવાઇ જાય છે અને છોડ ખરી પડે છે.
