અમદાવાદઃ અમદાવાદ જિલ્લા કલેકટરની ખુરસી પર બેસી ૧૧ વર્ષની દીકરીએ કામગીરી સંભાળી હતી. બ્રેઈન ટ્યૂમરથી પીડાતી ફ્લોરાને કલેકટર બનવાની ઈચ્છા હોઈ જિલ્લા કલેકટર સંદિપ સાગલેએ તેની ઈચ્છા પૂરી કરી હતી ફ્લોરા કલેકટરની ગાડીમાં બેસી કચેરી આવી હતી અને કલેકટર તરીકેની કામગીરી સંભાળી વિવિધ સરકારી યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્ર પણ વિતરણ કર્યા હતા.
ફ્લોરાની કલેકટર બનવાની અદમ્ય ઈચ્છાની જ્યારે અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલેને જાણ થઈ ત્યારે તેમણે ફ્લોરા પ્રત્યે સંવેદનશીલતા દાખવીને ક્ષમભર પણ વિલંબ કર્યા વિના તેને એક દિવસ માટે કલેકટર બનાવવાની વાત સ્વીકારી હતી. ફ્લોરા અને તેના પરિવારે જિલ્લા કલેકટર કચેરીમાં એક દિવસ માટે ફ્લારના કલેકટર બનવાના સ્વપ્નને સાકાર થતા જોયું હતું. સરગાસણમાં રહેતી ફ્લોરાને જિલ્લા કલેકટરની ગાડીમાં અમદાવાદ જિલ્લા કલેકટર કચેરીમાં લાવવામાં આવી હતી. જ્યાં દરવાજે તેને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું.