દક્ષિણ ગુજરાતની પહેલી પાટીદાર યુવતીની અમેરિકન નેવીમાં નિમણૂંક

Wednesday 23rd June 2021 07:15 EDT
 
 

સુરતઃ અમેરિકા ખાતે વસતાં પોતાના નાના - નાનીના ઘરે ઉચ્ચ અભ્યાસ માટે પહોંચેલી ચીખલીની પાટીદાર સમાજની પુત્રી આજે યુએસ નેવીમાં પસંદગી પામતાં સમગ્ર પંથકમાં ખુશીની લહેર ફેલાઈ જવા પામી છે. ૧૦ અઠવાડિયાની સખ્ત ટ્રેનિંગમાંથી પસાર થયા બાદ યુએસ નેવીમાં નિમણૂંક પામતાં નૈત્રી પટેલના પરિવારજનોનો ઉત્સાહ પણ સાતમા આસમાને પહોંચ્યો છે. સંભવતઃ દક્ષિણ ગુજરાતમાંથી યુએસ નેવીમાં નિમણૂંક મેળવનાર નૈત્રી પટેલ પહેલી યુવતી છે.
અમેરિકાને કર્મભૂમિ બનાવનારા ગુજરાતીઓ હવે ત્યાં પણ અલગ - અલગ ક્ષેત્રોમાં પોતાનો ડંકો બજાવી રહ્યા છે. એક તબક્કે હોટેલ અને મોટેલ વ્યવસાયનો પર્યાય ગણાતાં ગુજરાતીઓની ઓળખ હવે વ્હાઈટ હાઉસ સુધી પહોંચી ચુકી છે. આ સ્થિતિમાં અમેરિકાના મિસીસીપી ખાતે વસતાં પોતાના નાના અને નાનીના ઘરે ઉચ્ચ અભ્યાસ માટે પહોંચેલી ચીખલીના વાંઝણા ગામની પુત્રીએ ત્યાં જ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ યુએસ નેવીમાં જોડાવવાનો નિર્ણય કર્યો હતો.
શરૂઆતમાં આ પરિવારને પુત્રીના નિર્ણય પર થોડી શંકા - કુશંકા હતી પરંતુ, ઉત્સાહ અને અદમ્ય સાહસની પાંખો સાથે મૈત્રી પટેલે ૧૦ સપ્તાહની સખ્ત ટ્રેનિંગમાંથી પસાર થઈને અંતે યુએસ નેવીમાં સેઈલર પદે નિમણૂંક મેળવતાં માત્ર મિસીસીપીમાં વસતાં હજારો એનઆરઆઈ પરિવારો જ નહીં પરંતુ મુળ વતન ચીખલીમાં પણ વસતાં પાટીદાર સમાજમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.


comments powered by Disqus