પેટ્રોલ અને ડીઝલ વિના ચાલશે મીનિ ટ્રેક્ટર, ડીસાના ખેડૂતે કર્યો સફળ પ્રયોગ

Wednesday 23rd June 2021 07:40 EDT
 
 

ડીસાઃ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રાણપુર ગામના ખેડૂતનું એક ઇનોવેશન સામે આવ્યું છે. નવીન માળી નામના આ ખેડૂતે સૂર્ય ઉર્જા અને બેટરીથી ચાલતું એક મિની ટ્રેક્ટર બનાવ્યું છે. માત્ર ત્રણ મહિનાની મહેનત અને ૧.૭૫ લાખના ખર્ચે આ વાહનનું નિર્માણ થયું છે. આ ટ્રેક્ટર બનાવવા ખેડૂતે સ્વદેશી ચીજવસ્તુનો ઉપયોગ કર્યો છે. એકવાર ચાર્જ કર્યા પછી આ ટ્રેક્ટર ૭૦ કિલોમીટર સુધી ચલાવી શકાય છે. આ ટ્રેક્ટર ૫૦૦ કિલોગ્રામનું વજન વહન કરી શકે છે. આ ટ્રેક્ટર સોલારથી ચાલે છે. તેમાં બેટરી લાગેલી હોવાથી સોલાર સિસ્ટમથી ચાર્જ થાય છે. આ ખેડૂત હંમેશા ઓછા ખર્ચે મબલખ ખેતીવાડી થાય તેવા પ્રયાસો કરતા હોય છે. સામાન્ય રીતે ખેડૂતોને દરવર્ષે ડીઝલ પર એક લાખ રૂપિયા ખર્ચ કરવો પડતો હોય છે. આ મિની ટ્રેક્ટર બાગાયગી પાકોમાં પણ ઉપયોગી નિવડે છે. એ સાથે પશુપાલન કરતા ખેડૂતોને દૂધ ભરાવવા, ઘાસચારો લાવવા, ખાણ-દાણની હેરફેર કરવામાં મદદરૂપ થાય તેવું છે. સૌથી મહત્વનો ફાયદો એ છે કે આ ટ્રેક્ટરમાં ઇંધણ નહીં હોવાથી પ્રદૂષણની સમસ્યા પણ રહેતી નથી.


comments powered by Disqus