નવીદિલ્હીઃ ભારતમાં નવા આઇટી નિયમોના પાલન મુદ્દે ઠાગાઠૈયા કરી રહેલી ટ્વિટરને અપાયેલું કાયદાકીય સુરક્ષા કવચ કેન્દ્ર સરકારે છીનવી લીધું હતું. બાદ કોંગ્રેસના સાંસદ શશિ થરુરના નેતૃત્વ હેઠળની સંસદીય સ્થાયી સમિતિ સમક્ષ ઉપસ્થિત થયેલા ટ્વિટર ઇન્ડિયાના પબ્લિક પોલિસી મેનેજર શગુફ્તા કામરાન અને લીગલ કાઉન્સેલ આયુષી કપૂરે ટ્વિટર કેટલી હદે ભારતના કાયદાનો અનાદર કરે છે તે પુરવાર કરી દીધું હતું. ટ્વિટરના આ બે અધિકારીઓએ સમિતિને જણાવ્યું હતું કે, અમે અમારી પોતાની નીતિઓને અનુસરીએ છીએ. અમારી નીતિઓ પણ ભારતના કાયદાઓ જેટલી જ મહત્ત્વની છે અને બંને સાથે સમાધાન કરી શકાય તેમ નથી.
સ્ટેન્ડિંગ કમિટીના સાંસદોએ ટ્વિટરને રોકડું પરખાવી દીધું હતું કે, ટ્વિટર ભારતના કાયદાથી પર નથી. જો ટ્વિટર દ્વારા ભારતીય કાયદાનું વધુ ઉલ્લંઘન કરાશે તો તેને આકરા દંડનો સામનો કરવો પડશે. ભારતમાં ટ્વિટરની પોલિસી નહીં દેશનો કાયદો સર્વોચ્ચ છે. ટ્વિટરના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, અમારી પાસે સત્તા નથી, કોઇપણ જવાબ આપતાં પહેલાં અમારે ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરવી પડશે. તેથી સમિતિએ સીધો સવાલ કર્યો હતો કે, તમારા નિર્ણાયક અધિકારીઓ કોણ છે? મહત્ત્વના નીતિવિષયક નિર્ણયો લેવાની તમારી પાસે કોઇ સત્તા છે કે કેમ?
ગાઝિયાબાદ કેસમાં ટ્વિટરના એમડીને યુપી પોલીસે નોટિસ પાઠવી
ટ્વિટર સામે ત્રિપાંખિયો મોરચો મંડાયો છે. ગાઝિયાબાદ પોલીસ દ્વારા ટ્વિટર ઇન્ડિયાના એમડીને લોની ખાતે વૃદ્ધને મારપીટ કરવાની ઘટનાનાં વાઈરલ વીડિયો મામલે નોટિસ બજાવાઈ છે.
દિલ્હી પોલીસ દ્વારા પૂછપરછ
દિલ્હી પોલીસ દ્વારા ૩૧મી મેના રોજ ટ્વિટર ઈન્ડિયાના એમડીની પૂછપરછ કરાઈ હતી. દિલ્હી પોલીસે એક્ટ્રેસ સ્વરા ભાસ્કર, ટ્વિટર ઈન્ડિયાના એમડી મનીષ મહેશ્વરી, વેબ પોર્ટલ ધ વાયરના એન્કર તેમજ કહેવાતા મુસ્લિમ અધિકાર કાર્યકર આરફા ખાનમ શેરવાની તેમજ કોંગ્રેસના નેતા આસિફ ખાન સહિત તેમજ અન્યો સામે કેસ કર્યો છે. સાંપ્રદાયિક હિંસા ભડકાવવાના પ્રયાસ માટે તેમની સામે પગલાં લેવા માગણી કરાઈ છે.
ગાઝિયાબાદ વૃદ્ધ કેસમાં ટ્વિટરે છેડો ફાડ્યો
યુપીના ગાઝિયાબાદમાં મુસ્લિમ વૃદ્ધને મારપીટ કરવાના કેસમાં ટ્વિટર ઈન્ડિયાના એમડી મનીષ મહેશ્વરીએ કહ્યું હતું કે આ આવી ઘટના કે વિવાદ સાથે અમારે કશી લેવાદેવા નથી. તેઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તપાસમાં જોડાઈ શકે છે. જો કે ગાઝિયાબાદના લોનીમાં મુસ્લિમ વૃદ્ધ સાથે મારપીટની ઘટનામાં ટ્વિટરે ફક્ત ૫૦ ટ્વિટ જ પોસ્ટ કરવાનું અને સ્વીકારવાનું નક્કી કર્યું છે.
પ્રાઇવસી પોલિસી મુદ્દે CCIની નોટિસ સામે સ્ટે માટે ફેસબુકની અરજી
પ્રાઈવસી પોલિસી મુદ્દે કમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)ની નોટિસ સામે સ્ટે આપવા ફેસબુક તેમજ વોટસએપ દ્વારા દિલ્હી HCમાં અરજી કરાઈ હતી. CCI એ નવી પ્રાઈવસી પોલિસી અંગે બંને કંપનીઓ સામે તપાસ આદેશ આપીને કેટલીક વધુ વિગતો માંગી હતી. કોર્ટે કહ્યું હતું કે બંને કંપની અરજી કરે તે પછી તેઓ આ મુદ્દે આદેશ આપશે.