ભૂજઃ મુંદ્રા પોર્ટ પર કસ્ટમના એસઆઈઆઈબી વિભાગ દ્વારા બે મહત્વપુર્ણ કન્સાઈમેન્ટને ઝડપી પાડીને કરોડોના દાણચોરીનો પર્દાફાશ કર્યો હતો. એક કાર્યવાહીમાં મીસ ડિક્લેરેશન કરીને ઘુસાડવામાં આવી રહેલા ૨૦ કરોડની કિંમતનો ડીઝલ અને કેરોસીનના ૬૦ કન્ટેનરો જેટલો જથ્થો સીઝ કરાયો હતો. જ્યારે બીજા કિસ્સામાં ઈલેક્ટ્રોનીક સામાનનો ૧૦ કરોડ જેટલાનો જથ્થો સીઝ કર્યો હતો.
મુંદ્રા પોર્ટ પર કસ્ટમ વિભાગે દિલ્હીના તુઘલખાબાદ આઈસીડી માટે આયાત થયેલા ૬૦ જેટલા કન્ટેનરો અટકાવ્યા હતા. જેમાં લાઈકોલ ડિક્લેર કરાયેલા તમામ જથ્થાનું સેમ્પલ લઈને તપાસ કરાવતા તેમાથી મહતમ કન્ટેનર ડીઝલના અને કેટલાક કેરોસીનના હોવાનું સ્પષ્ટ થતા વિભાગે તે જથ્થાને સીઝ કર્યું હતું. જેથી કુલ કિંમત ૨૦ કરોડ જેટલી થવા જાય છે. જે મામલામાં કસ્ટમ એક્ટ સાથે પેટ્રોલીયમ એક્ટ પણ લગાવાઈ હતી. તો બીજી તરફ ચીનથી આયાત થયેલા ૬ જેટલા કન્ટેનરોની તપાસ કરાઈ હતી. જેમાં અંડર વેલ્યુએશન અને મીસ ડિક્લેરેશન સહિતના મામલાઓ હોવાનું સામે આવ્યું હતું. જેમાં કન્ટેનરમાં મોબાઈલ, ઈયર ફોન સહિતની વસ્તુઓ જાહેર કરાઈ હતી. જે મામલામાં કુલ ૧૦ કરોડ જેટલો જથ્થો સીઝ કરાયો હતો. આમ આ બન્ને મામલામા કુલ ૩૦ કરોડ જેટલાનો જથ્થો સીઝ કરવામાં આવતા ચકચાર મચી હતી.