વડોદરાઃ લવ જેહાદ અંગે ગુજરાત સરકારે તાજેતરમાં ધર્મ સ્વતંત્ર સુધારા અધિનિયમ અંગે નો કાયદો બનાવ્યો તે બાદ વડોદરામાં પ્રથમ વખત આ ગુના હેઠળ ફરિયાદ દાખલ થઇ હતી. જેમાં મુસ્લિમ યુવકે સોશિયલ મીડિયા પર ખ્રિસ્તી ધર્મનો હોવાનું જણાવી એક યુવતીને ફસાવી બળાત્કાર ગુજાર્યા બાદ બળજબરીપૂર્વક નિકાહ કર્યા હતા. વડોદરા બાદ વાપીમાં લવ જેહાદનો અન્ય એક કેસ સામે આવ્યો હતો જેમાં જૈન યુવતીને મુસ્લિમ શખ્સ ભગાડી ગયા બાદ તે ઇન્દોરથી પકડાયો હતો
વડોદરાના કેસમાં યુવતીએ આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર પોતાનું નામ માર્ટિન સેમ અને પોતે ખ્રિસ્તી ધર્મ અપનાવે છે તેમ જણાવી મારી સાથે સંપર્કમાં આવ્યો હતો. તેની સાથે સંપર્ક થયા બાદ એક હોટલમાં લઈ જઈ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો અને તેના ફોટા પાડી વાયરલ કરાવી દઈશ તેમ કહી અવારનવાર શારીરિક સંબંધ બાંધતો રહ્યો હતો. આખરે તેણે વારંવાર બળાત્કાર કરતા બે વખત અબોર્શન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ૨૦૨૧માં તેણે લગ્ન કર્યા હતા.
લગ્ન બાદ તેના પરિવારજનો દ્વારા ખબર પડી હતી કે તે ખ્રિસ્તી નથી પરંતુ મુસ્લિમ છે અને તેનું સાચું નામ સમીર અબ્દુલ કુરેશી છે. તેના પરિવારજનો દ્વારા હિંદુ ધર્મ છોડી ગઈ મુસ્લિમ ધર્મ અપનાવવા ફરજ પાડી જ્ઞાતિ વિરુદ્ધ ઉચ્ચારણો કરતા રહ્યા અને માનસિક ત્રાસ આપતા હતા. યુવતીની ફરિયાદના આધારે ગોત્રી પોલીસે બળાત્કાર ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ અને એટ્રોસિટીના ત્રણ કાયદા મુજબ યુવક સમીર અબ્દુલ કુરેશીની ધરપકડ કરી છે.
મુસ્લિમ યુવકે બળજબરીપૂર્વક યુવતી સાથે નિકાહ કર્યા
મુસ્લિમ યુવકે યુવતીને કલ્યાણનગર ગોસીયા મસ્જિદ ખાતે લઇ જઇ યુવતિનું હિન્દુ નામ રાખવાને બદલે તેનું મુસ્લિમ નામ રાખીને બળજબરીપૂર્વક નિકાહ પઢ્યા હતા. અને યુવતીનું ધર્મપરિવર્તન કરાવ્યું હતું. ત્યાર બાદ યુવતીને મુસ્લિમ ધર્મ પાળવા માટે દબાણ કરવામાં આવતું હતું તથા તેના માતા-પિતાને જાતી વિષયક ગાળો આપીને તેની સાથે મેરેજ રજીસ્ટર્ડ કરાવ્યું હતું.
વાપીમાં લવ જેહાદનો કેસ નોંધાયોઃ જૈન યુવતીને ભગાડનાર ઇન્દોરથી પકડાયો
વાપી કબ્રસ્તાન રોડ વિસ્તારમાં આવેલા એક કોમ્પલેક્ષમાં રહેતી જૈન યુવતીને એક મુસ્લિમ શખ્સ ભગાડી ગયો હતો. આ શખ્સ પરિણીત હોય, ઘટના બાદ યુવતીના પરિવારજનોએ વાપી ટાઉન પોલીસને જાણ કરી હતી. જો કે, આ સમયે પોલીસે ગુનો દાખલ કરવાનું ટાળ્યું હતુ. જો કે, તે પછી મામલાની ગંભીરતા સમજાતા આ કેસમાં સૌપ્રથમ વાપી ટાઉન પોલીસે આ કન્યા અને મુસ્લિમ યુવકની શોધ આદરી હતી. જેમાં તેઓ ઈન્દોર હોવાની જાણકારી મળતાં પોલીસે ટીમ બનાવી હતી. આ ટીમે હાલ ઈંદોર પહોંચી બંનેને શોધી કાઢયા હતા. પોલીસ તે બંનેને વાપી પરત આવી હતી.