વડોદરાઃ શહેરના છાણી રોડ પર ગંગોત્રી એપાર્ટમેન્ટની સામે શુક્રવારે ધોળે દિવસે બે તસ્કરોએ કારનો કાચ તોડી રૂ. ૨.૩૫ કરોડથી વધુની કિંમતના પાંચ કિલો સોનાના દાગીનાની ચોરી કરતાં ખળભળાટ મચી ગયો છે. વિપુલ રાજકોટમાં સોનાના ટ્રેડીંગનો વેપાર કરે છે. ૧૬ જૂને વિપુલભાઈ સેલ્સમેન જલ્પેશ લાઠીગરા અને ડ્રાઈવર સાથે પોણા છ કિલો દાગીના સ્કુલ બેગમાં મુકી કારમાં વડોદરા ટ્રેડીંગ અર્થે આવ્યા હતા. તેમણે ૮૫૦ ગ્રામ જેટલા દાગીના અલકાપુરી સી.એચ.જ્વેલર્સમાં આપ્યા હતા. વિપુલભાઈ અને તેમના બે માણસો છાણી સર્કલ પાસે ચા–નાસ્તો કરવા ઉભા રહ્યાં હતા. તેમણે દાગીના ભરેલી બેગ કારમાં જ રહેવા દીધી હતી. પરત આવતા ડ્રાઈવર સાઈડના દરવાજાના કાચ તૂટેલા હતા. જેથી વિપુલભાઈએ ડેકીમાં મુકેલી બેગની તપાસ કરતાં ગાયબ જણાઈ હતી. ચોરીના ઘટનાના કલાકો બાદ તેમણે ફતેગંજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.