વડોદરાઃ કોરોના મહામારીના કારણે વિદેશ અભ્યાસ માટે જતા વડોદરાના ૫ હજારથી વધુ વિદ્યાર્થી અટવાઇ ગયા છે. બીજી વેવના પગલે ઘણા દેશો દ્વારા ભારતની ફલાઇટ બંધ કરી છે અને વિઝાની કાર્યવાહી પણ હાલ પૂરતી સ્થગિત કરી છે. ત્યારે કેનેડા,યુકે જેવા દેશોમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ વાયા મીડલ ઇસ્ટ થઇને જાય છે. ૫ હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ વિદેશ જવા માટે વિઝાની અને ફલાઇટ શરૂ થવાની રાહ જોઇ રહ્યાં છે. જેમાં ૩ હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ કેનેડા જવાવાળા છે. જો કે અમેરિકાએ એમ્બેસી શરૂ કરાતા હવે કેનેડા સહિત અન્ય દેશોની પણ એમ્બેસી અને વિઝા કાર્યવાહી શરુ થવાની શકયતાને પગલે વિદેશવાંચ્છુ વિઘાર્થીઓ નવી ટર્મથી અભ્યાસ શરૂ થવાની આશા સેવી રહ્યા છે. ઘણા વિદ્યાર્થીઓ કેનેડા માટે જરૂરી ફીંગર પ્રિન્ટની પ્રક્રિયા માટે પણ દુબઇ જઇ રહ્યા છે. દુબઇમાં ફીંગર પ્રિન્ટની પ્રક્રિયા પૂરી કરીને વીઝાનો પ્રોસેસ પૂરો કરે છે. ત્યારબાદ તેઓ મીડલ ઇસ્ટના રસ્તે જ કેનેડા જઇ રહ્યા છે.