ગાંધીનગરઃ ભારતીય રિઝર્વ બેન્કે દેશના વિવિધ રાજ્યો દ્વારા જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ પાછળ થતાં ખર્ચનું સ્ટેટમેન્ટ રજૂ કર્યું છે, જેમાં વર્ષ ૨૦૨૦-૨૧માં આરોગ્ય પાછળ બજેટકીય ખર્ચની બાબતમાં ગુજરાતનો નંબર ૩૧ રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ૧૫મો છે.
ગુજરાત સરકારે ૨૦૨૦-૨૧માં તેના કુલ બજેટમાંથી ૫.૨ ટકા રકમ ખર્ચ માટે ફાળવી હતી. આ તો બજેટ રજૂઆત સમયે ખર્ચના અંદાજની રકમ છે, સ્વાભાવિક રીતે વાસ્તવિક ખર્ચ કોરોના-લોકડાઉન-મંદીના ત્રેવડા મારમાં ઓછો જ હશે. રાજ્યનું કુલ બજેટ રૂ. ૨,૧૭,૨૮૭.૨૪ કરોડનું હતું અને એમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે રૂ. ૧૧,૨૪૩ કરોડની જોગવાઈ દર્શાવાઈ હતી, જે વાસ્તવિક રીતે તો કુલ બજેટના ૫.૧૭ ટકા જ રકમ હતી.
ગુજરાત સરકારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ પાછળ તેના કુલ બજેટમાંથી વર્ષ ૨૦૧૪-૧૫માં ૫.૫ ટકા, ૨૦૧૫-૧૬માં ૫.૬ ટકા, ૨૦૧૬-૧૭માં ૫.૭ ટકા, ૨૦૧૭-૧૮માં ૫.૪ ટકા અને ૨૦૧૮-૧૯માં ૫.૬ ટકા ખર્ચ કર્યો હતો, જ્યારે ૨૦૧૯-૨૦માં સુધારેલા ખર્ચ અંદાજ પ્રમાણે ૫.૬ ટકા રકમ આરોગ્ય વિભાગ પાછળ ખર્ચી હતી.
રાજસ્થાન જેવું નબળું રાજ્ય પણ ગુજરાતની તુલનામાં આરોગ્ય પાછળ ખર્ચની બાબતમાં આગળ છે. તેણે ૨૦૧૮-૧૯માં તેના બજેટમાંથી ૫.૮ ટકા રકમ આરોગ્ય માટે ખર્ચી હતી, જ્યારે ૨૦૧૯-૨૦માં સુધારેલા ખર્ચના અંદાજ પ્રમાણે તેણે ૬.૧ ટકા રકમ આરોગ્ય પાછળ ખર્ચી હતી, જે ગુજરાત કરતાં વધુ હતી.

