ખારાઘોડામાં અંગ્રેજ અફસરો ટીમ પાડીને ક્રિકેટ રમતા

કચ્છનો ક્રિકેટ સાથેનો સદીપુરાણો નાતો

Monday 01st March 2021 07:32 EST
 

અમદાવાદ: વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ત્રીજી મહત્ત્વપૂર્ણ મેચનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે તે સાથે જ રાજ્યમાં ક્રિકેટનો માહોલ જામી રહ્યો છે. સૌરાષ્ટ્ર તો ક્રિકેટ સાથે જૂનો નાતો ધરાવે જ છે, પરંતુ કચ્છનો પણ ક્રિકેટ સાથેનો નાતો ખૂબ જ પુરાણો છે.
આ સૂકા પ્રદેશમાં ૧૧૦ વર્ષ પહેલાં ફરજ બજાવતાં અંગ્રેજ અધિકારીઓ ફૂરસદના સમયમાં ટીમ પાડીને અચુક ક્રિકેટ રમતા હતા. ઈ.સ. ૧૯૧૧માં કચ્છના નાના રણની કાંધી પર આવેલા ખારાઘોડા ગામમાં અંગ્રેજોની એક ક્રિકેટ ટીમ સક્રિય હતી. સોલ્ટ ડિપાર્ટમેન્ટની સત્તાવાર ટીમ વતી અંગ્રેજ અફસરો ગામના પરેડ ગ્રાઉન્ડમાં બેટ-બોલ સાથે મેચ રમવા મેદાનમાં ઉતરી પડતા હતા. જ્યારે પણ મહત્ત્વની સ્પર્ધા યોજાવાની હોય તેના આગલા દિવસે પરેડ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ પણ કરતા જોવા મળતા હતા.
ગામના વડીલોના જણાવ્યા મુજબ, એ સમયે મેચને ગામના લોકો બેટ-દડાની રમત કહેતા હતા. અંગ્રેજ અફસરો સ્થાનિક લોકોથી અંતર રાખતા હોવાથી સંકોચના કારણે ગામના યુવાનો ક્રિકેટમાં ભાગ લેતા ન હતા. જોકે વારે-તહેવારે કે રજાનો દિવસ હોય ત્યારે યોજાતી અંગ્રેજોની ક્રિકેટ સ્પર્ધા જોવા માટે લોકો જરૂર ઉમટી પડતા.
૨૦મી સદીની શરૂઆતમાં વિશ્વમાં ક્રિકેટ મેચ ધીમે ધીમે લોકપ્રિય થઈ રહી હતી ત્યારે ગુજરાતના આ ગામમાં ક્રિકેટની રમત પ્રચલિત બની હતી. બોલને બેટ વડે ફટકારતા ક્રિકેટ ખેલાડીઓને જોઈને આજુબાજુના ગામથી મેચ જોવા આવતા લોકોને નવાઈ લાગતી હતી. આજે પણ પરેડ ગ્રાઉન્ડ અંગ્રેજ અફસરો વચ્ચે યોજાતી ક્રિકેટ સ્પર્ધાની સાક્ષી પૂરે છે.
જોકે, આ પરેડ ગ્રાઉન્ડનો ઉપયોગ માત્ર ક્રિકેટ માટે જ નહીં વિવિધ પ્રકારની દેશી રમતો માટે પણ થતો હતો. ગામ લોકોના જણાવ્યા મુજબ, અંગ્રેજો ક્રિકેટ રમતા જ્યારે ગામ લોકોને દોડ, રસ્સા ખેંચ, લોટ ફૂંકણિયા જેવી દેશી રમતો રમાડતા હતા. વર્ષમાં એક વાર દેશી રમતોને પ્રોત્સાહન આપવા માટે મીઠું પકવતા અગરિયાઓ માટે સ્પોર્ટસ સમિટનું પણ આયોજન કરાતું હતું.
આમ પણ ગુજરાતનો ક્રિકેટ સાથેનો નાતો ખૂબ જ જૂનો છે કારણ કે ભારતમાં ક્રિકેટ મેચની શરૂઆત ખંભાતના અખાતમાં અંગ્રેજો અને નાવિકો વચ્ચે થઈ હતી. ધર્મ અને જાતિ આધારિત ક્રિકેટ નહીં રમવું જોઈએ એવા મહાત્મા ગાંધીના સૂચનમાંથી રણજી મેચની શરૂઆત થઈ હતી.


comments powered by Disqus