ઘર ૧૫૦૦ અને વસ્તી ૬૩૦૦ની છે, પણ વૃક્ષ ૯૭૦૦ છેઃ એક કાપો તો ૪ રોપવા પડે

Sunday 28th February 2021 07:34 EST
 
 

વિસનગર: આજે દુનિયાભરમાં ગ્લોબલ વોર્મિંગ, પર્યાવરણને નુકસાન, વૃક્ષછેદનની વાતો ચાલી રહી છે ત્યારે ઉત્તર ગુજરાતના એક એવા ગામની વાત કરવી છે જ્યાં વૃક્ષનું જતન જવાબદારી નહીં ગામનો વારસો છે. વિસનગર તાલુકાના તરભ ગામમાં અનોખી પરંપરાના કારણે દર બે વ્યક્તિએ ત્રણ વૃક્ષો છે. ૮૦ ટકા સાક્ષરતા ધરાવતા તરભ ગામમાં ૧૫૦૦ મકાન છે અને વસ્તી ૬૩૦૦ની વસ્તી છે. તેની સામે વૃક્ષોની સંખ્યા ૯૭૦૦ જેટલી છે. ગામમાં ક્યાંય પણ એવી ખુલ્લી જગ્યા નથી કે જ્યાં વૃક્ષ જોવા ન મળે.
ગામના અગ્રણી સોમાજી કાનાજી કહે છે કે, ગ્રામજનોને વૃક્ષપ્રેમ વારસામાં મળ્યો છે. અમે ક્યારેય વૃક્ષારોપણનું અભિયાન ચલાવ્યું નથી. નવાઇની વાત તો એ છે કે, ગામમાં ક્યારેય બિનજરૂરી વૃક્ષછેદન થતું જ નથી. જો કોઇ વૃક્ષ નડતરરૂપ હોય કે જોખમી હોય તો તેને જ કાપવામાં આવે છે અને કપાયેલા દરેક વૃક્ષ સામે નવા ૪ વૃક્ષો ઉછેરાય છે. ગામમાં પ્રવેશવાના ૨૦૦ મીટરના રોડ પર એકેય વૃક્ષ નહોતું, પરંતુ આ વર્ષે અહીં પણ વૃક્ષારોપણ કરાયું છે. ગામના વડીલો દ્વારા વારસામાં મળેલા વૃક્ષપ્રેમના કારણે આસપાસના અન્ય ગામો કરતાં આ ગામને કુદરત વધુ વરસાદ આપે છે. એટલું જ નહીં ઉનાળામાં ગામનું તાપમાન પણ નીચું રહે છે.
ગામની ભૌગોલિક સ્થિતિ એવી છે કે, જમીનના ઉપરના સ્તરમાં ભેજનું પ્રમાણ ઝડપથી ઘટે છે, જેથી નવા રોપાને મૂળમાં ભેજ ન મળતાં તેના ઉછેરમાં મુશ્કેલી પડે છે. જોકે આ સ્થિતિ પર કાબૂ મેળવવા સ્વામી ચરણગીરીજી વિદ્યાલયના પ્રિન્સિપાલ અને શિક્ષકોએ વિદ્યાર્થીઓની સાથે મળીને એક આઇડિયા અજમાવ્યો છે. જે મુજબ વિદ્યાર્થીઓએ આખા ગામમાં ફરીને પીવાના પાણીની ખાલી બોટલો એકત્રિત કરી છે અને બોટલના સૌથી નીચેના ભાગે નાનું કાણું પાડી તેમાં પાણી ભરીને રોપાના થડ જોડે મુકી દે છે. આથી પાણીની બચત થવાની સાથે સાથે છોડ વાવ્યો હોય છે તે જમીનમાં આખો દિવસ ભેજ જળવાઇ રહે છે અને તેનો ઉછેર અવિરત થતો રહે છે.


comments powered by Disqus