જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોષી અને ત્રણ પુત્રોને કેદ

Sunday 28th February 2021 06:53 EST
 

જૂનાગઢ: જિલ્લાના ધારાસભ્ય ભીખાભાઇ જોષી અને ત્રણ પુત્રોને મેંદરડા કોર્ટે મારામારીના કેસમાં દોષિત ઠરાવીને કેદ અને દંડની સજા ફરમાવી છે.
વર્ષ ૨૦૦૮ માં અમરાપુર (કાઠી) ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જૂનાગઢના વર્તમાન કોંગી ધારાસભ્ય ભીખાભાઇ જોષીના પુત્રવધૂએ સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. તેની સામે મુંગરભાઇ મામદભાઇના પત્ની પણ પ્રતિસ્પર્ધી ઉમેદવાર હતા. આ ચૂંટણીમાં ધારાસભ્યના પુત્રવધૂનો વિજય થયો હતો.
બાદમાં ધારાસભ્ય ભીખાભાઇએ ચૂંટણીમાં ૧૫ હજાર રૂપિયાનો ખર્ચ હરીફ ઉમેદવારના કારણે થયો હોવાનું માનીને તેની પાસેથી રૂપિયા માંગ્યા હતા. આ મામલે વિવાદ થતાં ભીખાભાઇ અને તેમના ત્રણ પુત્રોએ તેના ઘરે હુમલો કરીને માર માર્યો હતો. આ કેસમાં મેંદરડાની કોર્ટે ધારાસભ્ય ભીખાભાઇ જોષીને ૨ વર્ષ, તેમના પુત્ર ભરતને દોઢ વર્ષ, મનોજને દોઢ વર્ષ અને જયંતીભાઇ જોષીને દોઢ વર્ષની સજા કરી હતી. તમામને જામીન મળ્યા હતા. જોકે ભીખાભાઇને ઉપલી કોર્ટમાં અપીલ કરવા માટે જામીન મળી જતાં તેમનું ધારાસભ્ય પદ બચી ગયું છે.


comments powered by Disqus