વડોદરાઃ શહેરની ખાનગી કંપનીના મેનેજરને તાંત્રિક વિદ્યા ભારે પડી ગઇ છે. ઉજ્જૈનના તાંત્રિકે તેની પાસેથી તબક્કાવાર રૂ. ૨૧ લાખ પડાવી લીધાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. બીજી બાજુ, પોલીસે અટકાયતમાં લીધેલા તાંત્રિકની તબિયત લથડતાં તેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
શહેરમાં અકોટા ગાર્ડન પાસે અનુરાગ સોસાયટીમાં રહેતા અને ખાનગી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતો સિદ્ધાર્થ શર્મા ગઈ તા. ૩ ડિસેમ્બરે ઉજ્જૈન દર્શનાર્થે ગયો હતો. તે દરમિયાન દિનેશ સોલંકી નામના રિક્ષાચાલકે તમામ તકલીફો દૂર કરીને પ્રગતિ કરાવી દેવાના નામે ફસાવ્યો હતો. હાટકેશ્વર સોસાયટીમાં રહેતા ગોપાલ ઉર્ફે રાજ્યગુરૂ ઉર્ફે રાજેશ શાસ્ત્રી ઉર્ફે તિલક શાસ્ત્રી રામચંદ્ર શર્માના નામના તાંત્રિક પાસે સિધ્ધાર્થ શર્માને લઈ જવાયો હતો. જ્યાં તાંત્રિકે લોટમાંથી કંકુ તેમજ રૂ. ૧૦ની નોટમાં ૧૦૦૦ની નોટ ઉમેરીને ચમત્કાર બતાવી સિધ્ધાર્થને ફસાવ્યો હતો. ત્યારબાદ તાંત્રિકે સ્મશાનમાં રાતે વિધિ કરવાના સંકલ્પના નામે તેમજ વડોદરામાં આવી દક્ષિણાના નામે રૂપિયા પડાવ્યા હતા.
આ પછી ધુતારા તાંત્રિકે એવું તૂત ચલાવ્યું હતું કે ‘હવે જાદુઈ શક્તિ જાગી ચૂકી છે અને જો આ શક્તિને શાંત નહીં કરાય તો તારું આખુ ખાનદાન સાફ થઈ જશે...’ જાદુઇ શક્તિને શાંત કરવાના નામે તેણે સિધ્ધાર્થ પાસેથી બે મહિનાના ગાળામાં બેંક એકાઉન્ટ, રોકડ અને ગૂગલ પેના માધ્યમથી રૂ. ૨૧ લાખથી વધુ રકમ પડાવી હતી. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસ તાંત્રિકને ઉજ્જૈનથી ઝડપી લઇને ધરપકડ કરી હતી.

