વાપીઃ દાદરા નગરહવેલીના સાત ટર્મના સાંસદ મોહન ડેલકરે મુંબઈના મરીન ડ્રાઈવ સ્થિત હોટલ સી ગ્રીનમાં રવિવારે રાત્રીના આત્મહત્યા કરી લેતા રાજકીય વર્તુળોથી માંડીને આમ આદમીએ આઘાતનો આંચકો અનુભવ્યો છે. મોહન ડેલકરના લડાયક મિજાજની સાક્ષી દાદરા નગરહવેલીના પ્રજાજનો તેમના પ્રિય નેતાની આત્મહત્યાના સમાચારથી દિગ્મૂઢ થઈ ગઇ છે. હોટેલમાં તેમના રૂમમાંથી ગુજરાતીમાં લખેલી એક સ્યુસાઈડ નોટ પણ મળી છે. જોકે, મુંબઈ પોલીસે તેમાં શું લખ્યું છે, તે જાહેર નહીં કરતાં આત્મહત્યા પાછળના કારણો અંગે રહસ્ય અકબંધ છે.
સોમવારે બપોરે બે વાગ્યા બાદ ડ્રાઇવર અને બોડીગાર્ડ સી ગ્રીન હોટેલમાં મોહનભાઈની રૂમ પાસે પહોંચ્યા હતા. આ બંનેએ રૂમ ખોલવા માટે બેલ વગાડયો હતો. જોકે રૂમની અંદરથી કોઈ પ્રકારનો પ્રતિસાદ મળ્યો ન હતો. આખરે ડેલકરના ડ્રાઈવર અને બોડીગાર્ડે હોટલનાં રિસેપ્શન ઉપર જાણ કરતા હોટલ સંચાલકોએ પોલીસ તથા મિસ્ત્રીને બોલાવ્યા હતા. જે પછીથી રૂમનો દરવાજો તોડી નંખાતા અંદર મોહન ડેલકર પંખા સાથે લટકીને ફાંસો ખાધેલી અવસ્થામાં મળી આવ્યા હતા.
આપઘાતનું રહસ્ય સ્યૂસાઈડ નોટ ખોલશે
રૂમમાંથી મોહનભાઈએ ગુજરાતીમાં સ્વહસ્તે લખેલી સાત પાનાની સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. પોલીસે આ લખાણ ગુજરાતમાં હોવાથી હોટલ પહોંચેલા મોહન ડેલકરના અંગત મદદનીશ કૌશિલ શાહ અને પંકજ શર્મા પૈકી કૌશિલ શાહ પાસે આ નોટ વંચાવી હતી. સ્યુસાઈડ નોટનો અર્થ સમજવાનો પ્રયાસ કરીને તેને કબજે લીધી હતી. સેલવાસમાં સાંસદના પરિવારજનોને ઘટનાની જાણ કરાતાં તેઓ મુંબઈ પહોંચી ગયા છે, અને સાંસદના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જે.જે. હોસ્પિટલમાં લઈ જવાયો હતો.
ચૂંટણી જીતવાનો રેકોર્ડ
દાદરા નગરહવેલીના ૫૮ વર્ષીય મોહન ડેલકર ૧૯૮૯માં પહેલી વાર સાંસદ બન્યા હતા. તેઓ કુલ ૭ ટર્મ લોકસભાની ચૂંટણી જીત્યા હતા. ૧૯૮૯માં તેઓ કોંગ્રેસના ઉમેદવારતરીકે લોકસભાની ચૂંટણી પ્રથમ વાર જીત્યા. આ પછી ૧૯૯૧ અને ૧૯૯૬માં કોંગ્રેસમાંથી ફરી સાંસદ બન્યા. ૧૯૯૯ અને ૨૦૦૪માં અપક્ષ અને પછી પોતાની જ ભારતીય નવશકિત પાર્ટીના ઉમેદવાર તરીકે લડયા અને જીત્યા હતા. ૨૦૦૯ અને ૨૦૧૪માં ભાજપના ઉમેદવાર નટુ પટેલ સામે હારી ગયા હતા. ૨૦૧૯માં અપક્ષ તરીકે ભાજપના નટુ પટેલ સામે તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવીને વિજય મેળવ્યો હતો. આમ તેમણે ૭ વખત વિજય મેળવી ઇતિહાસ સર્જ્યો હતો. તેમણે ૧૯૮૫માં આદિવાસી સંગઠન બનાવ્યું હતું. લોકસભાના ૧૫ સિનિયર સાંસદોને આપવામાં આવેલા સ્થાનમાંથી મોહન ડેલકર બીજા નંબરે રહ્યા હતા.
‘હજુ કેટલા લોકો ગુમાવવા પડશે?’
દાદરા નગરહવેલીમાં વહીવટી કનડગત અને કાશ્મીરમાં કલમ ૩૭૦ હટાવવાના સરકારના પગલાના વિરોધમાં રાજીનામું આપી ચૂકેલા યુવાન પૂર્વ કલેક્ટર કન્નન ગોપીનાથને સોમવારે સાંસદ મોહન ડેલકરની આત્મહત્યાના સમાચાર પછી એક ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું હતુંઃ દાદરા અને નગરહવેલીએ હજુ પોતાના કેટલા લોકોને ગુમાવવા પડશે?
કેટલાકે તેમની ટ્વીટના પ્રતિભાવમાં એવું પણ લખ્યું હતું કે, પહેલાં ભોયા સાહેબ, પછી જીગ્નેશ સર અને હવે સાંસદજી... પ્રતિભાવોએ આત્મહત્યા પાછળ ગંભીર કારણોનો અંગુલિનિર્દેશ કર્યો હતો.

