બિયર ગ્રિલ્સ હવે અમિતાભ સાથે ગીર જંગલમાં ડેરાતંબૂ તાણશે?

Wednesday 24th February 2021 06:44 EST
 
 

જૂનાગઢ: ડિસ્કવરી ચેનલના જગવિખ્યાત શો મેન વર્સીસ વાઇલ્ડ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સાઉથના સુપરસ્ટાર રજનીકાંત અને બોલિવૂડ સ્ટાર અક્ષય કુમાર સાથે ભારતના જંગલોમાં શુટીંગ કરનાર બિયર ગ્રિલ્સ આગામી માર્ચ માસમાં બીગ બી અમિતાભ બચ્ચન સાથે ગીરના જંગલમાં શૂટિંગ કરે એવી શક્યાતા છે. એક અહેવાલ અનુસાર તાજેતરમાં જ ગ્રિલ્સની ટીમે ગુજરાત સરકાર પાસે આ માટેની પરવાનગી માંગી છે.
વિખ્યાત ટીવી શો - મેન વર્સીસ વાઇલ્ડના હોસ્ટ બિયર ગ્રિલ્સ ‘ઇન ટુ ધ વાઇલ્ડ’ સિરીઝના એક એપિસોડનું ગુજરાતના ગીર અભયારણ્યમાં શુટિંગ કરી શકે છે. આ માટે તેની ટીમે ગુજરાત સરકારની પરવાનગી માંગી છે. ગુજરાતના ફક્ત ટોચના અધિકારીઓને આ બાબતની જાણ છે. સ્થાનિક વન વિભાગના અધિકારીઓ પણ આ બાબતે હજુ અજાણ હોવાનું જાણવા મળ્યું છે. ગીર જંગલમાં બિયર ગ્રિલ્સ આ શોનું શુટિંગ બિગ બી અમિતાભ બચ્ચન સાથે કરશે. ગીરમાં એપિસોડમાં શુટિંગ માટે આગામી દિવસોમાં તેની ટીમ લોકેશન શોધવા માટે આવશે. જોકે, આ વાત હજુ પ્રારંભિક તબક્કે હોવાની સાથે ખુદ બીગ બીની તબિયતને લઇને પણ શોના શુટીંગમાં તેને હાડમારી ઓછી પડે એ માટે દોઢ દિવસમાં જ પોણો કલાકના એપિસોડનું શુટીંગ આટોપી શકાય એના પર કામ થઇ રહ્યાનું પણ જાણવા મળ્યું છે. નોંધનીય છે કે, ગુજરાત સરકાર હાલ રાજ્યમાં ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ ગીર અભયારણ્યમાં પ્રવાસન વિકસાવવા વધુને વધુ પ્રયાસો કરી રહી છે.


comments powered by Disqus