ભક્તિ અને આસ્થાના અનેરા પ્રતીક માટેલ ધામમાં ખોડિયાર જયંતીની ઉજવણી

Wednesday 24th February 2021 06:52 EST
 
 

મોરબી: જિલ્લાના વાંકાનેર તાલુકાનું માટેલ ધામ ભક્તિ અને આસ્થાનું અનેરું પ્રતીક છે જ્યાં મા ખોડિયારના બેસણાં છે. વિશ્વભરમાંથી લોકો અહીં દર્શને આવે છે. અહીં ૨૦ ફેબ્રુઆરીએ ભક્તોએ ખોડિયાર જયંતી પર્વે દર્શન કરીને કેક કાપી હતી.
માટેલ ગામે મા ખોડિયાર સાથે આવળબાઇ, બીજબાઈ, જોગર, તોગર, ગોલાઈ, સોસાઈ સહિત સાત બહેનોના બેસણા છે. લોકવાયકા પ્રમાણે મા ખોડિયાર ભાવનગરના રાજપરા ગામેથી માટેલ ધામ ૭૫૦ વર્ષ પહેલાં પધાર્યા હતાં. મા ખોડિયારનું સાચું નામ જાનબાઈ હતું અને તેઓ ભાવનગર જિલ્લાના વલ્લભીપુર પાસેના રોહીશાળાના વતની હતા. તેમના માતાનું નામ દેવલબા અને પિતાનું નામ મામણિયા ચારણ હતું. મામણિયા ચારણે શિવભક્તિ કરીને વાંઝિયામેણું ભાંગવા ઉપાસના કરી હતી. આ સમયે ભગવાન શિવે પ્રસન્ન થઈ મામણિયા ચારણને પાતાળ-લોકના નાગદેવતાની સાત પુત્રી અને એક પુત્ર જન્મ લેશે તેવું વરદાન આપ્યું હતું. દેવલબાએ મહા સુદ આઠમે આઠ પારણાં મૂકતાં સાત દીકરી અને એક પુત્રથી ભરાઈ ગયા હતા.
જોકે સાત બહેનોના એકના એક ભાઈને ઝેરી સર્પે દંશ આપ્યો હતો. સૂર્ય ઉગે તે પહેલા પાતાળ લોકના રાજા પાસેથી અમૃત કુંભ લઇ આવવામાં આવે તો ભાઈનો જીવ બચે તેમ હતું. આથી જાનબાઈ અમૃત કુંભ લેવા ગયા. સૂર્યાસ્તનો સમય નજીક આવી રહ્યો હતો અને જાનબાઇ પરત આવ્યા ન હોવાથી બહેન આવળમા બોલ્યા કે જાનબાઈ ખોડાઈ તો નથી ગયા. બરાબર આ સમયે કુંભ લઈ ઘરમાં પ્રવેશી રહેલા જાનબાઈનો પગ ખોડાઈ ગયો અને ત્યારથી જાનબાઈ ખોડિયાર નામે ઓળખાય છે.


comments powered by Disqus