ભાજપમાં હવે ચૂંટણી ઉમેદવારોની વયમર્યાદા ૬૦ને બદલે ૪૦?ઃ પાટીલનો સંકેત

Thursday 25th February 2021 07:26 EST
 
 

વાપીઃ ભાજપ હવે પછીની ચૂંટણીઓમાં ઉમેદવારોની વયમર્યાદા ૬૦થી પણ ઘટાડીને ૪૦ વર્ષ સુધીની નક્કી કરે તેવી શકયતા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ પેજ કમિટી સંમેલનને સંબોધતા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આવો સંકેત આપ્યો છે.
વલસાડ જિલ્લામાં આગામી ૨૮મીના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને પગલે ભાજપનું પેજ કમિટી સંમેલન વાપી ખાતે યોજાયું હતુ. જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પેજ સમિતિની રચના અને તેનો ફાયદો સૌથી પહેલા કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી સમજ્યા હોવાનું જણાવી જ્યાં પેજ કમિટીની યોગ્ય વ્યવસ્થા હશે ત્યાં ભાજપને કોઈ પણ સંજોગોમાં હરાવી શકાશે નહીં તેમ કહ્યું હતું.
પારડી તાલુકામાં પેજ કમિટીમાં ૪૦ વર્ષથી વધુના કોઈ પણ સભ્ય નહીં હોવાથી કાર્યકરોમાં દેખાતા ઉત્સાહને ધ્યાનમાં લઇને તેમણે કહ્યું હતું કે ચૂંટણીમાં ઉમેદવારોની વયમર્યાદા ૬૦ વર્ષના બદલે ૪૦ વર્ષ રાખવી જોઈતી હતી. ઉલ્લેખનીય છે કે આ વર્ષે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારો માટે ૬૦ વર્ષની વયમર્યાદા નક્કી કરી હતી.


comments powered by Disqus