મહારાષ્ટ્ર અને કેરળમાંથી સુરત આવતા લોકો માટે કોવિડ ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત

Friday 26th February 2021 06:59 EST
 
 

સુરતઃ શહેરમાં કોરોનાને કાબુમાં રાખવા માટે નવા નિયમ જાહેર થયા છે અને કોરોનાના વધુ દર્દીઓ ધરાવતા રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓ માટે કોરોના ટેસ્ટ ફરજિયાત કરાયો છે. નવા નિયમ અનુસાર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કેરળ અને મહારાષ્ટ્રથી આવતા લોકો માટે કોવિડ ટેસ્ટ ફરજિયાત બન્યો છે. સુરત બહારથી આવતાં લોકો પાસે કોવિડનો ટેસ્ટ રિપોર્ટ નહીં હોય તો મ્યુનિ. ના વિવિધ ચેક પોસ્ટ પર વિનામૂલ્યે કોવિડ ટેસ્ટ થઈ રહ્યો છે તેમાં ફરજિયાત ટેસ્ટ કરાવવાનો રહેશે. આ ઉપરાંત શહેરના કાપડ માર્કેટમાં પણ સંક્રમણ વધી રહ્યું છે અને અન્ય રાજ્યમાંથી લોકો આવી રહ્યાં હોવાથી કાપડ માર્કેટમાં પણ ટેસ્ટીંગની માત્રા વધારી દેવામાં આવી છે.
છેલ્લા કેટલાક દિવસથી સુરતમાં ઘટેલા કોરોનાના કેસ વધી રહ્યાં છે અને હાલમાં લગ્ન-રાજકીય અને ધાર્મિક કાર્યક્રમોમાં ભીડ હોવાથી આગામી દિવસોમાં સંક્રમણમાં વધારો થાય તેવી ભીતી છે. દરમિયાન ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્ર અને કેરળમાં કોરોનાનો સેકન્ડ વેવ શરૂ થયો છે અને હાલ આ રાજ્યોમાંથી સુરતમાં લોકો આવી રહ્યા હોવાથી વહીવટી તંત્રની ચિંતા વધી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશને એક જાહેરનામું બહાર પાડીને કેરળ અને મહારાષ્ટ્રથી સુરત આવતા લોકોએ ૨૪ કલાક પહેલાનું કોવિડ ટેસ્ટીંગનું સર્ટીફીકેટ રાખવું ફરજીયાત છે. આ બંને રાજ્યમાંથી આવતા મુસાફરો પાસે કોવિડ ટેસ્ટનું સર્ટીફીકેટ ન હોય તો મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ ચેકપોસ્ટ પર રેપીડ ટેસ્ટની સુવિધા રાખવામાં આવી છે, જ્યાં ફરજિયાત ટેસ્ટ કરાવવો પડશે. આ નિયમનો ભંગ કરનાર લોકો સામે પગલાં ભરવામાં આવશે.


comments powered by Disqus