રાજકોટથી ઉડશે બેંગલૂરુ અને હૈદરાબાદની ફ્લાઈટ

Saturday 27th February 2021 06:55 EST
 

રાજકોટઃ આંતરરાષ્ટ્રીય હીરાસર એરપોર્ટ શરૂ થાય તે પહેલા રાજકોટના ડોમેસ્ટિક એરપોર્ટમાં ફરી વિમાનોની ઘરઘરાટી સંભળાવા લાગી છે. જેટ એરવેઝ બંધ થયા બાદ એક તબક્કે રાજકોટમાં ફક્ત મુંબઈ માટેનું એક જ વિમાન ઉડાન ભરતું હતું. હવે ક્રમશઃ મુંબઈ-દિલ્હીની ફ્લાઈટ શરૂ થઈ ચૂકી છે. તેમાં વધુ સુવિધાનો ઉમેરો થતા આગામી ૨૪મીથી રાજકોટ-બેંગલૂરુ અને બીજી માર્ચથી રાજકોટથી હૈદરાબાદની ફ્લાઈટ શરૂ થશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સ્પાઈસ જેટ દ્વારા ૨૪મીથી રાજકોટ-બેંગલૂરુની ફ્લાઈટ શરૂ થશે જ્યારે પહેલી માર્ચથી રાજકોટ-હૈદરાબાદ વચ્ચે ૭૮ સીટની ક્ષમતા ધરાવતું વિમાન શરૂ કરાશે. આ વિમાન સવારે ૯ઃ૧૦ કલાકે રાજકોટ આવશે અને ૯ઃ૪૦ કલાકે હૈદરાબાદ જવા ઉડાન ભરશે. જ્યારે ૨૪મીથી શરૂ થનાર બેંગલૂરુ ફ્લાઈટની ટિકિટોનું બૂકિંગ શરૂ થઈ ગયું છે. આ ફ્લાઈટ બપોરે અઢી વાગ્યે રાજકોટ પહોંચશે અને ત્રણ વાગ્યે બેંગલૂરુ જવા રવાના થશે.
આગામી માર્ચ મહિનાના અંતમાં ઇન્ડીગો એરલાઈન્સ દ્વારા રાજકોટથી મુંબઈ, દિલ્હી અને કોલકાતાના વિમાન શરૂ કરવા મંજૂરી માગી હોવાનું જાણવા મળે છે. જેથી ઉત્તરમાં દિલ્હી, દક્ષિણમાં બેંગલૂરુ, હૈદરાબાદ અને મુંબઈ તથા પૂર્વમાં મુખ્યમથક એવાં કોલકતાની સીધી ફ્લાઈટ મળવા લાગતા રાજકોટ તેમજ સમગ્ર સૌરાષ્ટ્રના વેપારીઓ, ઉદ્યોગકારોને તેમજ પ્રવાસીઓને સગવડતા મળી રહેશે.


comments powered by Disqus