રૂપાણીનો કોરોના રિપોર્ટ નેગેટિવઃ રાજકોટમાં ફેસશિલ્ડ પહેરી મતદાન

Wednesday 24th February 2021 06:46 EST
 
 

રાજકોટઃ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી રવિવારે મતદાન માટે ખાસ એર એમ્બ્યુલન્સથી રાજકોટ પહોંચ્યા હતા અને તેમણે તેમની નિવાસસ્થાન નજીક અનિલ જ્ઞાન મંદિર ખાતે મતદાન મથકમાં જઈને માસ્ક અને ફેસ શિલ્ડ પહેરીને ચૂંટણી પંચ અને કોરોનાના નિયમ અનુસાર મતદાન કર્યું હતું.
આ પહેલા મુખ્ય પ્રધાનનો આરટીપીસીઆર રિપોર્ટ કરાયો હતો, જેમાં તેઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. રાજકોટમાં અંજલિબેન રૂપાણી સાથે સજોડે મતદાન કર્યા બાદ તેમણે કહ્યું કે ભગવાનની કૃપાથી તેઓ કોરોનાથી સાજા થયા છે.
હોમટાઉન રાજકોટમાં ઓછા મતદાનથી ચિંતા વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે લોકશાહીમાં મતદાનએ નાગરિકની પવિત્ર ફરજ છે. સાથોસાથ ગુજરાતના મહાનગરોમાં ભાજપનું શાસન આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મુખ્ય પ્રધાનના આગમન અન્વયે સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર, નિર્મલા રોડ, રૈયા રોડ સહિતના વિસ્તારોમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો તેમજ મતદાન મથકમાં તમામ સ્ટાફ પીપીઈ કીટ પહેરીને હાજર રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ચૂંટણીમાં કોરોનાગ્રસ્ત દર્દીને પણ નિયત શરતોનું પાલન કરીને મતદાન કરવા અધિકાર અપાયો હતો. મુખ્ય પ્રધાન પહેલા પીપીઈ કીટ પહેરીને મતદાન કરનાર હતા પરંતુ મતદાન પૂર્વે જ તેમનો રિપોર્ટ નેગેટિવ આવતા તેમણે ફેસશિલ્ડ માસ્ક પહેરીને, હાથ સેનેટાઈઝ કરી હેન્ડ ગ્લોવ્ઝનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું.


comments powered by Disqus