વલ્લભ વિદ્યાનગરઃ વડતાલ મંદિરના એક સ્વામી ગત આઠમી ફેબ્રુઆરીના રોજ ગામની જ એક પરિણીતાને લઇને ભાગી જતાં વ્યથિત થયેલા પતિએ ગૃહ મંત્રાલયને પત્ર લખીને આ મુદ્દે ન્યાયની દાદ માંગી છે. પત્રમાં તેણે જણાવ્યુ છે કે તેમની પત્નિ આઠમી ફેબ્રુઆરીએ બપોરે ૧.૩૦થી ગૂમ થઇ ગઇ છે. સગાવ્હાલાને ત્યાં તપાસ કરતાં તે મળી આવી ન હતી. મંદિરના ૫૮ વર્ષના પત્નિને લઇને ભાગી ગયા હોવાનો આક્ષેપ પણ પત્રમાં કરવામાં આવ્યો છે. ખેડા જિલ્લાના ચકલાસી પોલીસમથકે ૧૦મી ફેબ્રુઆરીના રોજ પત્ની ગુમ થયાની જાણવાજોગ અરજી આપી હતી.
પત્રમાં આક્ષેપ થયો છે કે આ પછી પોતાને જાણ થઇ હતી કે મંદિરમાં મહત્ત્વની જવાબદારી સંભાળતા એક સ્વામી પૈસાની લાલચ આપીને તેની પત્નીને ઉપાડી ગયા છે. પત્રમાં એવી પણ આશંકા વ્યક્ત કરાઇ છે કે સ્વામી પોતાની હવસ સંતોષ્યા બાદ પત્નિને જાનથી મારી નાંખીને તેની લાશને સગેવગે કરી દેશે. ભોગ બનનાર નાગરિકે આધારસ્વામીના મોબાઇલ ઉપર સંપર્ક કરવાનો વારંવાર પ્રયત્ન કરવા છતાં તેનો ફોન બંધ આવે છે. ચકલાસી પોલીસના જણાવ્યા પ્રમાણે વડતાલ ગામની મહિલા ગુમ થયા અંગેની જાણવા જોગ નોંધ સ્ટેશન ડાયરીમાં કરવામાં આવી છે. પરંતુ મંદિરના કોઇ સ્વામી ભગાડી ગયા હોય એવી કોઇ અરજી મળી નથી. માત્ર મહિલાના પરીવારજનોની રજુઆતના આધારે ગુમ કે ખોવાઇ ગયેલા અંગેની નોંધ કરીને પરિણીતાની શોધ શરૂ કરી છે.

