ગાંધીનગરઃ રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદે યુવાઓ-વિદ્યાર્થીઓને આહવાન કરતાં જણાવ્યું છે કે સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે યુવાઓ સંકલ્પબદ્ધ બને અને એવા પ્રયાસો કરે કે શિક્ષણના માધ્યમ દ્વારા ભારત દેશ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ દેશનું સ્થાન મેળવે.
મંગળવારે ગાંધીનગરમાં ગુજરાત કેન્દ્રિય વિશ્વ વિદ્યાલયના તૃતીય પદવીદાન સમારોહમાં પદવી એનાયત કરતાં રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, પ્રાચીન કાળમાં નાલંદા, તક્ષશિલા અને વિક્રમશિલા કક્ષાના વિશ્વ વિદ્યાલયો જે ગુજરાતની વલ્લભી વિદ્યાપીઠને તોલે આવે તેવા હતા. તત્કાલિન સમયે શિક્ષણ સાથે સમાજ ઉત્થાન માટે જે પ્રયાસો થયા છે એ આજે પણ ગુજરાતમાં થઇ રહ્યા છે જે અભિનંદનને પાત્ર છે.
કોવિંદે ઉમેર્યુ કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલની જન્મભૂમિ એવી ગુજરાતની પવિત્ર ભૂમિ પરથી જ રાષ્ટ્ર નિર્માણનો પાયો નંખાયો હતો. આ ભૂમિએ જ બે મહાન વડા પ્રધાન શ્રી મોરારજીભાઇ દેસાઇ અને શ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વરૂપે દેશને આપ્યા છે. આ બંનેની સાથે મને કામ કરવાની તક મળી તે બદલ તેમણે પોતાને ગૌરવશાળી માન્યા હતા.
તેમણે કહ્યુ કે તત્કાલીન મુખ્ય પ્રધાન અને દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે જે નવા આયામો હાથ ધર્યા તેના પરિણામ સ્વરૂપ આજે ગુજરાતમાં અનેક રાષ્ટ્રીય સ્તરના સંસ્થાનો છે. ગુજરાતની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેનાથી લઘુ ભારત અને વિવિધતામાં એક્તાનો ભાવ રજૂ થાય છે.
તેમણે ઉમેર્યુ કે, વર્ષ ૨૦૦૯માં આ વિશ્વ વિદ્યાલયની સ્થાપના થઇ, જેમાં ૩૦ રાજ્યોના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જે રાષ્ટ્રીય એક્તાના પ્રતીક સમાન છે. આ વિદ્યાલયે મહિલા સશક્તિકરણનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યુ છે કેમ કે પદવી મેળવનાર વિદ્યાર્થીઓમાં ૫૫ ટકા દીકરીઓએ પદવી મેળવી છે અને ૨૧ પદકો પૈકી ૧૩ પદકો પણ દીકરીએ મેળવ્યા છે. દીકરીઓ આજે અનેક ક્ષેત્રોમાં આગળ વધી રહી છે ત્યારે સમાજ પરિવર્તનમાં નયા ભારતની પ્રતિકૃતિ દેખાય છે.
તેમણે ઉમેર્યુ કે, આ વિશ્વ વિદ્યાલયનું નવું ભવન વડોદરા ખાતે નિર્માણ થનાર છે એ માટે કેન્દ્ર સરકારે રૂ. ૭૪૩ કરોડા ફાળવ્યા છે. એ આગામી સમયમાં આગવી ઓળખ ઉભી કરશે. એ માત્ર આધુનિક-સુસજ્જ ભવનથી જ નહિ પરંતુ વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોના આચરણને પરિણામે શક્ય બનશે. આ માટે સૌને ભગીરથ પ્રયાસો કરવા પણ તેમણે ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
રાષ્ટ્રપતિએ કહ્યું કે, દેશને નોલેજ સુપર પાવર બનાવવા માટે આજે જે પ્રયાસો થઇ રહ્યા છે ત્યારે દેશભરમાં અમલી નવી શિક્ષણનીતિનો અમલ નવા દ્વાર ખોલશે. વિકસતા આ યુગમાં સમાજ ઉત્થાન માટે અને છેવાડાના માનવીના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ જ મહત્વનો ભાગ ભજવી શકે છે. એ માટે આ નવી નીતિ ચોક્કસ મહત્વનું પરિબળ બની રહેશે. પૂજ્ય બાપુની સર્વોદયની ભાવનાને સાર્થક કરવા માટે શિક્ષણ મહત્વનું પરિબળ છે ત્યારે તમામ વર્ગોના કલ્યાણ માટે સંવેદના અને સન્માન માટે પ્રયાસો કરવા પડશે.
સમારોહમાં કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ડો. રમેશ પોખરીયાલ - નિશંક, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના કુલાધિપતિ હસમુખ અઢિયા, વિવિધ યુનિવર્સિટીના કુલપતિ, ડીન, ગુજરાત કેન્દ્રીય વિશ્વ-વિદ્યાલયના અધ્યાપકો તેમજ શિક્ષણ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ દીક્ષાંત સમારોહમાં ૭૩ પીએચ.ડી., ૨૬ એમ.ફિલ., ૧૨૧ અનુસ્નાતક અને ૨૪ સ્નાતક એમ કુલ ૨૪૪ વિદ્યાર્થીઓને પદવી પ્રદાન કરવામાં આવી. આ ઉપરાંત સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોમાં સૌથી વધુ માર્કસ મેળવનાર ૨૧ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના વિવિધ ચંદ્રક રાષ્ટ્રપતિના હસ્તે પ્રદાન કરવામાં આવ્યા હતા.

