૬૮ વર્ષના સિનિયર સિટિઝનનું ઓક્સિજન સિલિન્ડર સાથે મતદાન

Wednesday 24th February 2021 07:10 EST
 
 

વડોદરાઃ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે રવિવારે વડોદરામાં થઈ રહેલા નિરસ મતદાનની વચ્ચે શહેરના કેટલાક લોકોની મતદાન માટેની પ્રતિબધ્ધતા ઉડીને આંખે વળગે તેવી રહી હતી. કોરોનાના સંક્રમણના ડરના કારણે ઘણા સિનિયર સિટિઝન્સ મતદાનથી દુર રહ્યા હતા ત્યારે શહેરના હરણી વારસિયા રિંગ રોડ પર રહેતા ૬૮ વર્ષના સિનિયર સિટિઝન વિકટ સ્થિતિ વચ્ચે પણ ઓક્સિજન સિલિન્ડર સાથે મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચ્યા હતા.
૬૮ વર્ષીય દિલિપભાઈ જોષીની તબિયત છેલ્લા કેટલાક મહિનાઓથી નાજુક છે અને તેના કારણે તેમને મોટા ભાગનો સમય પથારીમાં જ પસાર કરવો પડે છે. જોકે રવિવારે ચૂંટણી હોવાથી તેમણે મતદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેના પગલે તેમના પુત્ર તેમને એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સિલિન્ડર સાથે બેસાડીને મતદાન મથકે લાવ્યા હતા.
જોકે અહીંયા તંત્રની તૈયારીઓની પોલ ખુલી ગઈ હતી. કારણ કે આ મતદાન મથક પર તેમને બેસાડીને અંદર લઈ જવા માટે વ્હીલચેર જ નહોતી. સદનસીબે એમ્બ્યુલન્સમાં એક વ્હીલ ચેર પડી હોવાથી દિલિપભાઈને તેમાં બેસાડીને તેમના પુત્ર મતદાન કરાવવા માટે અંદર લઈ ગયા હતા. તેમના પુત્રે આ મુદ્દે તંત્ર સામે રોષ પણ વ્યક્ત કર્યો હતો. જોકે આવી સ્થિતિમાં પણ દિલિપભાઈએ મતદાન કરીને દાખલો બેસાડયો હતો.


comments powered by Disqus