હાલોલ: દેવ દિવાળીએ મૂળ રાજસ્થાનના કાનુડી ગામના અને હાલ હિંમતનગર ખાતે પશુઓ માટેના કેટલ ફૂડનો વ્યવસાય કરતા મહાકાળી માના ભક્ત બાબુલાલ સોનાજી રાજપુરોહિત પરિવારે પાવાગઢમાં કાલિકા માતાજી મંદિરે માતાજીને રૂા. ૬૦ લાખનું સવા કિલો સોનાનું છત્ર અર્પણ કર્યું હતું. ઉપરાંત મંદિરના વિકાસ માટે રૂા.૧.૧૧ કરોડનો ચેક પાવાગઢ મંદિર ટ્રસ્ટને આપ્યો હતો.
પાવાગઢના ઇતિહાસમાં પ્રથમ વખત આટલું મોટું દાન આવ્યું છે. રાજપૂરોહિત પરિવાર તેના તમામ વ્યાપાર ધંધા શ્રી કાલિકા માતાજીના નામ પર જ ચલાવે છે. આ ઉપરાંત આશોત્રમ મંદિરમાં પણ આ પરિવાર વારંવાર દાન ધર્મ કરે છે.
માતાજીને ધરાવ્યો ભવ્ય અન્નકૂટ ભોગ
દેવ દિવાળી નિમિતે પ્રથમ વખત અન્નકૂટનો ભોગ માતાજીને ચડાવવામાં આવ્યો હતો. દેવ દિવાળીના પર્વે મંદિર પરિસરમાં સવારે ૧૦ થી ૧૨ કલાક દરમિયાન બંધ બારણે માતજીને ભોગ ધરાવાયો હતો. મંદિરના ટ્રસ્ટી વિનોદભાઈ વરિયાના જણાવ્યાનુસાર દર પૂનમે માતાજીના અન્નકૂટ ધરવામાં આવશે.

