પાક. જેલમાંથી મુક્ત કરાયેલા ૨૦ માછીમારો માદરે વતન પહોંચ્યા

Wednesday 24th November 2021 08:44 EST
 
 

વેરાવળ: પાકિસ્તાન જેલમાંથી મુક્ત થયેલ ૨૦ માછીમારો વાહન મારફત માદરે વતન પહોંચ્યા હતા. આ માછીમારો વેરાવળ ખાતે પરિવાજનો સાથે મિલન થતા આંસુનો દરિયો વહેવા લાગવાની સાથે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. આજે મુકત થયેલા માછીમારોમાં ગિર સોમનાથ જિલ્લાના ૧૯ અને પોરબંદર જિલ્લાના ૧ મળી કુલ ૨૦ જેલમાંથી મુક્ત થયેલ છે. જેમાં નવાબંદરનો માછીમાર તેના પિતાના નામમાં ભૂલને કારણે છેલ્લા ચાર વર્ષથી પાક જેલમાં હતો. જ્યારે બાકીના અન્ય માછીમારોનો બે થી ચાર વર્ષનો જેલ વાસ ભોગવ્યા બાદ છૂટકારો થયો છે. કોરોનાકાળમાં ભારતીય માછીમારોને જુદા જુદા રાખવામાં આવેલ હતા અને હજુ પણ પાક જેલમાં બંદીવાન પાંચસોથી વધુ માછીમારોને વહેલીતકે મુકત કરાવવા ભારત સરકારને વિનંતી કરી હતી.
સમુદ્રની જળ સીમા પર માછીમારી માટે જતા ભારતીય માછીમારોનું પાકિસ્તાન મરીન દ્વારા અપહરણ કરી જેલમાં ધકેલી દેવાય છે અને ભારત સરકાર દ્વારા સમયાંતરે પાકિસ્તાનમાંથી માછીમારોને મુક્ત કરાવવા કાર્યવાહી કરવામાં આવે છે. જે અંતર્ગત હાલ પાકિસ્તાન સરકાર દ્વારા ૨૦ જેટલા માછીમારોને મુક્ત કરાયા છે. આ અંગે ફીશરીઝ અધિકારી કિશોર સિકોતરિયાના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં કુલ ૬૦૦ જેટલા માછીમાર પૈકી હાલ ૨૦ માછીમારોને પાકિસ્તાન સરકારે મુક્ત કરવામાં આવતા હજુ ૫૮૦ માછીમારો પાકિસ્તાન જેલમાં બંધક છે. આ મુક્ત કરાયેલ માછીમારોને વાઘા બોર્ડર ખાતેથી ફિશરીઝ વિભાગની ટીમ દ્વારા વેરાવળ ખાતે લાવવામાં આવેલ અને તેમના પરિવારજનોને કબજો સોંપવામાં આવ્યો છે.
છેલ્લા ચાર વર્ષથી યાતના ભોગવતા નવાબંદરના માછીમાર બાબુ કરશનના પિતાના નામમાં ભૂલના કારણે ફસાયો હતો. આ મુક્ત થયેલ માછીમાર બાબુ કરશનના કહેવા પ્રમાણે તેના કાગળો ગૂમ કરી દેવાયા હતા. જો કે બાદમાં વતનથી પરિવારજનો દ્વારા દિલ્હી વિદેશ મંત્રાલય સુધી કવાયત કરતા આખરે છૂટકારો થયો હતો. જ્યારે અન્ય એક યુવા માછીમાર રવિ વાઢેરના કહેવા મુજબ હજુ પણ ૫૮૦ માછીમારો યાતના ભોગવી રહ્યા છે જે પૈકીના ઘણાંની હાલત નાજુક છે જે તમામ માછીમારોનો પણ વ્હેલી તકે છૂટકારો થાય તે માટે ભારત સરકારે ધ્યાન આપવા વિનંતી કરી છે. પાકિસ્તાન મરીન દ્વારા ૧૧૪૮ જેટલી ભારતીય ફાશિંગ બોટોને પકડી માછીમારોને બંધક બનાવી જેલમાં ધકેલી દેવાયેલ છે અને હજુ પણ ૫૮૦ જેટલા માછીમારો પાકિસ્તાનની જેલમાં યાતના વેઠી રહ્યાં છે.


comments powered by Disqus