વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ૧૦મી જાન્યુઆરીએ પીએમ મોદી ઉદ્ઘાટન કરશે

Tuesday 23rd November 2021 14:03 EST
 
 

અમદાવાદ: વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી શૃંખલા ગાંધીનગર ખાતે આગામી ૧૦થી ૧૨ જાન્યુઆરી ૨૦૨૨ દરમિયાન યોજાશે, તા.૧૦મી જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અને ગ્લોબલ ટ્રેડ શોનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે. ૧૦મી વાઈબ્રન્ટ સમિટમાં ૧૫થી વધુ દેશો ક્ન્ટ્રી પાર્ટનર તરીકે સહભાગી થશે.
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના કાર્યક્રમોની માહિતી આપતા ગુપ્તાએ જણાવ્યું હતું કે, ૧૦મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વાઈબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન થશે.
૧૧મી જાન્યુઆરીએ વડાપ્રધાનની વિઝનરી યોજના ‘ગતિશક્તિ યોજના’ હેઠળ ગુજરાતને કઈ રીતે ઈન્ફ્રાસ્ટ્રકચરલ તથા મૂડીરોકાણના દ્રષ્ટિકોણથી વધુ લાભ મળે તેની કાર્યરીતિ ઘડાશે, દેશમાં પ્રોડક્શન અંગે તૈયાર કરાયેલી યોજના અંગે વિશદ્ ચર્ચા હાથ ધરાશે, ૧૨મી જાન્યુઆરીએ વધુ લોકોને રોજગારી અને ટેક્નોલોજી થકી વેલ્યુ એડિશન થાય તે સહિતના વિષય પર વિસ્તૃત ચર્ચા કરાશે અને ત્યાર બાદ વાઈબ્રન્ટ સમિટનું સમાપન થશે.
આ સમિટમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા માટે ખાસ ધ્યાન કેન્દ્રિત કરાયું છે, જે માટે મુખ્યમંત્રીના વડપણમાં બેંકર્સ મીટીંગ યોજાઈ છે, એમએસએમઈ ઉદ્યોગ ક્ષેત્રે લોકોને માહિતી મળે એ માટે ૧૦મી જાન્યુઆરીએ ત્રિદિવસીય ગ્લોબલ ટ્રેડ શોનું હેલિપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે આયોજન કરાયું છે, આ ટ્રેડ ફેર શોની થીમ ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ રાખવામાં આવી છે.
પહેલી ડિસેમ્બરથી ૧૨મી જાન્યુઆરી સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન થશે, વાઈબ્રન્ટ સમિટ સુધીમાં મોટા અને વિશિષ્ટ પ્રોજેક્ટ માટે એમઓયુ કરવામાં આવશે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો ૮-૯ ડિસેમ્બર દુબઈ-અબુધાબીમાં રોડ શો
વાઈબ્રન્ટ સમિટના પ્રચાર માટે દેશ-વિદેશમાં રોડ શોનું આયોજન કરાયું છે, જેમાં અમેરિકા, જર્મની, નેધરલેન્ડ, યુ.કે., ફ્રાન્સ, જાપાન, દુબઈ, આબુધાબી તથા મિડલ ઈસ્ટના દેશોમાં વિવિધ વિભાગના સચિવો રોડ શો માટે જશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૮ અને ૯ ડિસેમ્બરના રોજ દુબઈ અને આબુધાબી ખાતે રોડ શોમાં સહભાગી થશે, જ્યારે દેશભરના વિવિધ છ જેટલા રાજ્યોના મેટ્રોપોલિટન શહેરમાં પણ રોડ શોનું આયોજન કરાયું છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ૨૫મી નવેમ્બરે દિલ્હી ખાતેના રોડ શોમાં સહભાગી થશે,
સમિટ પહેલાં રૂ. ૨૪,૧૮૫ કરોડા ૨૦ એમઓયુ ઉપર હસ્તાક્ષર થયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી શરૂ થયેલી વાઈબ્રન્ટ સમિટ નવા રેકોર્ડ સ્થાપી રહી છે, ૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૨ના પડઘમ વાગી રહ્યા છે, સમિટ પહેલાં સોમવારે રૂ. ૨૪,૧૮૫.૨૨ કરોડના ૨૦ એમઓયુ પર હસ્તાક્ષર થયા છે, આ મૂડી રોકાણ દ્વારા રાજ્યમાં અંદાજે ૩૬,૯૨૫ જેટલી રોજગારીની નવી તકો ઊભી થશે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉદ્યોગ રાજ્ય મંત્રીની હાજરીમાં આ એમઓયુ (મેમોરેન્ડમ ઓફ અંડર સ્ટેન્ડિંગ) પર હસ્તાક્ષર થયા હતા.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતના વૈશ્વિક વિકાસનો પાયો આ સમિટથી નંખાયો છે, જેના પરિણામે ગુજરાત દેશ-દુનિયાના રોકાણકારો માટે એક સક્ષમ માધ્યમ બન્યું છે. જે એમઓયુ થાય તે ઉદ્યોગો સમયસર શરૂ કરવાની જવાબદારી ઉદ્યોગો નિભાવે તે જરૂરી છે, રાજ્ય સરકાર ઉદ્યોગોને મદદ અને સહાયરૂપ થવા કટિબદ્ધ છે. જે એમઓયુ પર હસ્તાક્ષર થયા તેમાં વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ધોલેરા વિશેષ રોકાણ ક્ષેત્ર (સર)માં બે પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.


comments powered by Disqus