અમદાવાદઃ કોવિડ-૧૯ના લીધે મૃત્યુ પામેલા લોકોને વળતર આપવા માટે ગુજરાત સરકારે ચકાસણી સમિતિ (સ્ક્રુટિની કમિટી) બનાવવાનો જે નિર્ણય લીધો છે, તે મુદ્દા પર સુપ્રીમ કોર્ટની ખંડપીઠે વધુ એકવાર ગુજરાત સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ. આર. શાહે આકરૂ વલણ અપનાવતા ગુજરાત સરકારના ધારાશાસ્ત્રીને એવી આકરી ટકોર કરી કે, ‘તમારા મુખ્યમંત્રીને કંઈ ખબર પડતી નથી કે શું?’ ઓનલાઈન હાજર રહેલા એડિશનલ ચીફ સેક્રેટરી (ACS) મનોજ અગ્રવાલને સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, સચિવ તમે શા માટે છો ? જો, આ ડ્રાફ્ટ તમારા મગજની ઉપજ છે, તો તમને કંઈ ખબર પડતી નથી. શું તમે અંગ્રેજી જાણો છો ? શું તમે સુપ્રીમ કોર્ટના આદેશને સમજો છો ? આ ડ્રાફ્ટ માત્ર અધિકારીઓ દ્વારા કામમાં વિલંબ નાખવાનો પ્રયાસ છે. સુપ્રીમ કોર્ટે ક્યારેય તમને કોઈ ચકાસણી સમિતિની રચવા કરવા કહ્યું નથી. આમાં કરવામાં આવેલા એક પણ સુધારાને સુપ્રીમ કોર્ટ સ્વીકાર કરશે નહીં. ચકાસણી સમિતિ પાસેથી પ્રમાણપત્ર મેળવવામાં જ એક વર્ષનો સમય વીતી જશે. તમે કહો છો કે હોસ્પિટલના પ્રમાણપત્ર સાથે આવો, કંઈ હોસ્પિટલ આ પ્રકારનુ પ્રમાણપત્ર આપે છે, બોલો ?
ACS અગ્રવાલને સુપ્રીમના આકરા સવાલ
સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે મનોજ અગ્રવાલને સવાલ કર્યો હતો કે, આ ડ્રાફ્ટ કોણે તૈયાર કરેલો છે ? સક્ષમ અધિકારી કોણ છે ? આ ડ્રાફ્ટને કોણે મંજૂરી આપેલી છે ? આ કોના મગજની ઉપજ છે ? જેના જવાબમાં મનોજ અગ્રવાલે જવાબ આપ્યો હતો કે, આ વિભાગના અનેક અધિકારીઓ દ્વારા તૈયાર કરાયેલો છે અને અંતમાં સક્ષમ અધિકારી અને પછી રાજ્યના મુખ્યમંત્રી સ્તરે આ નિર્ણયને મંજૂરી અપાઈ છે.
મુખ્યમંત્રીનો ઉલ્લેખ કરવાનો મતલબ શું છે ?
સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલ તુષાર મહેતાને સવાલ કરેલો કે, અહીં એ કહેવાનો મતલબ શું છે કે, આ મુખ્યમંત્રી પાસે જાય છે ? અહીં ક્યાં ઉદ્દેશથી કહ્યું છે? સોલિસીટર જનરલને એ પણ ટકોર કરેલી કે, અધિકારીઓનું આ વલણ એ માત્ર સમગ્ર મામલાને ગુંચવી નાખવાનો અને તેમાં વિલંબ કરવાથી વિશેષ કંઈ નથી. સરકારના પોતાના જ ડેટા અનુસાર રાજ્યમાં ઓછામાં ઓછા ૧૦,૦૦૦ જેટલા લોકો કોરોનાના લીધે મૃત્યુ પામેલા છે, તો પછી આ સ્થિતિમાં શંકાનો ક્યાં સવાલ રહે છે ?
હવે ગુજરાતમાં કોરોના કાબુમાં ત્રીજી લહેરની શક્યતા નહિવત્
કોરોનાની ત્રીજી લહેરની લઇને રાહતના સમાચાર છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી બી.જે. મેડિકલ કોલેજ લેબ કે જ્યાં સૌથી વધુ કોરોનાના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવે છે ત્યાં છેલ્લા મહિનાથી માત્ર એક-બે પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે.
બી.જે મેડીકલમાં અમદાવાદ શહેર અને ગ્રામ્ય માંથી આવતા કોરાના સેમ્પલ લગભગ ૧૦૦ ટકા નેગેટિવ આવી રહ્યા છે. હાલમાં ત્યાં ૧૫૦૦ જેટલા કોરોનાના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવે છે. પરંતુ ૧૫૦૦ ટેસ્ટ માં એક પણ સેમ્પલ પોઝિટિવ આવી રહ્યા નથી. હોસ્પિટલોમાંથી આવતા શંકાસ્પદ કેસો પણ નેગેટિવ આવી રહ્યા છે. જેથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા નહિવત્ છે.

